આ કોઈ ઈમારત સાથે વિમાન અથડાવાની ઘટના નથી પણ આ લોકોની બર્બરતાપૂર્વક હત્યા કરવાની હૃદયને હચમચાવી મૂકે તેવી ઘટના છેઃ રિચર્ડ
જેરૂસલેમ
ઈઝરાયલ પર હમાસના આતંકીઓએ રોકેટ મારો ચલાવીને 700થી વધુ લોકોના જીવ લઈ લીધા છે. પીએમ બેન્જામિન નેતન્યાહૂ આ હુમલાને યુદ્ધ ગણાવી ચૂક્યા છે. જોકે આ હુમલાઓમાં ઘાયલોની સંખ્યા પણ હજારોમાં પહોંચી ગઈ છે અને તેમની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સે કહ્યું હતું કે હમાસનો આ હુમલો અમારા માટે 9/11 સમાન જ હુમલો હતો. આ હુમલો તેના કરતાં પણ મોટો છે.
જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હવે ગાઝાવાસીઓએ તેની કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 700ને વટાવી ગઈ છે જેમાં 57 સૈન્યકર્મી અને 34 પોલીસકર્મી પણ સામેલ છે. જ્યારે 30 ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવી લેવાયાની માહિતી મળી રહી છે. જ્યારે બીજી બાજુ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 400 જેટલા આતંકીઓના મોતના અહેવાલ છે.
આઈડીએફના પ્રવક્તા રિચર્ડ હેચટે કહ્યું કે ઈઝરાયલ પર આ હુમલો 9/11 જેવો કે તેના કરતાં પણ મોટો હુમલો છે. આ કોઈ ઈમારત સાથે વિમાન અથડાવાની ઘટના નથી પણ આ લોકોની બર્બરતાપૂર્વક હત્યા કરવાની હૃદયને હચમચાવી મૂકે તેવી ઘટના છે. તેમણે કહ્યું કે હમાસે ફરી એકવાર હવે પરિણામ ભોગવવા જ પડશે. અમે તેને ગંભીરતાપૂર્વક જવાબ આપવા જઈ રહ્યા છીએ. આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ.
લેબેનોનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાહને ચેતવણી આપતાં રિચર્ડે કહ્યું કે મને આશા છે કે હિઝબુલ્લાહ અને ઈરાન તેમાં સામેલ થવાની ભૂલ નહીં કરે કેમ કે અમે અમારી સંપૂર્ણ તાકાત સાથે તૈયાર છીએ. તેમણે કહ્યું કે હમાસનો ઉદ્દેશ્ય ફક્ત અમારા દેશનો વિશાન કરવાનો છે. હવે દરેકને ખબર પડી ગઇ હશે તે આ લોકો કોણ છે?