બ્રિટનના પીએમ ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં અને નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે પણ હમાસના હુમલાને વખોડી કાઢ્યો
નવી દિલ્હી
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. ઈઝરાયલ પર હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલા અને તેમાં 22 જેટલાં ઈઝરાયલીઓના મોત તથા સેંકડો લોકોના ઘવાયા બાદ પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે ઈઝરાયલ પર આતંકી હુમલાથી ઘેરો આઘાત લાગ્યો. નિર્દોષ પીડિતો અને તેમના પરિજનો સાથે અમારી પ્રાર્થના અને સહાનુભૂતિ. આ મુશ્કેલ ઘડીમાં અમે મજબૂત રીતે ઈઝરાયલની પડખે ઊભા છીએ.
પીએમ મોદી સિવાય આ મામલે વિશ્વના કેટલાક નેતાઓએ પણ આ અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમાં બ્રિટનના પીએમ ઋષિ સુનકે પણ ટ્વીટ કરી લખ્યું કે, ઇઝરાયેલના નાગરિકો પર હમાસના આ આતંકી હુમલાથી હું આઘાત અનુભવું છું. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમે ઇઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છીએ અને ઇઝરાયેલમાં બ્રિટિશ નાગરિકોએ મુસાફરીની એડવાઇઝરીનું પાલન કરવું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ પણ સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ આતંકી હુમલાની અમે આકરી ટીકા કરીએ છીએ. પીડિતો સાથે અમારી સહાનુભૂતિ અને સમર્થન છે.
બીજી બાજુ નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને કોલ કર્યો હતો અને હમાસ અને ઈઝરાયલ વચ્ચેની તંગદિલી પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમે આવી હિંસાની ટીકા કરીએ છીઅને ઈઝરાયલને પૂરેપૂરું સમર્થન આપીએ છીએ.