જેનિફર જેંગ એક ચીની મૂળની એક્ટિવિસ્ટ અને માનવાધિકાર કાર્યકર છે જે પત્રકાર પણ છે અને હાલમાં અમેરિકામાં રહે છે
વોશિંગ્ટન
એક સ્વતંત્ર બ્લોગર જેનિફર જેંગે મોટો આરોપ મૂકતાં કહ્યું છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટ સામેલ હતા. આ હત્યા બાદ ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જીને ભારતને ફસાવવાનો હતો.
જેનિફર જેંગ એક ચીની મૂળની એક્ટિવિસ્ટ અને માનવાધિકાર કાર્યકર છે જે પત્રકાર પણ છે અને હાલમાં અમેરિકામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જેંગએ નિજ્જરની મોતને હત્યા ગણાવતાં કહ્યું કે આજે કેનેડામાં શીખ ધાર્મિક નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા વિશે ચોંકાવનારા ખુલાસા ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી સામે આવ્યા છે. આ આરોપ લાગ્યો છે કે હત્યા સીસીપીના એજન્ટો દ્વારા જ કરાઈ હતી.
18 જૂન 2023ના રોજ ભારતમાં આતંકી જાહેર હરદીપ સિંહ નિજ્જરની બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુનાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. સ્વતંત્ર બ્લોગરે તેમના આરોપો માટે ચીની લેખક અને યુટ્યુબર લાઓ ડેંગના દાવાઓનો ઉલ્લેખ કર્યો હતો જે તેમના અનુસાર હવે કેનેડામાં રહે છે.
જેંગે એક્સ પર પોસ્ટ કરતાં વીડિયોમાં દાવો કર્યો હતો કે લાઓએ આ વર્ષે જૂનની શરૂઆતમાં કહ્યું હતું કે ઈગ્નિશન પ્લાન હેઠળ સીસીપી રાજ્ય સુરક્ષા મંત્રાલયે એક ઉચ્ચ અધિકારીને સિએટલ મોકલ્યા હતા. ત્યાં એક ગુપ્ત બેઠક થઈ. તેનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે સંબંધો ખરાબ કરવાનો હતો. એજન્ટોને કેનેડામાં શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કામ સોંપાયું. બેઠક બાદ સીસીપી એજન્ટોએ હત્યાની યોજનાને સાવચેતીપૂર્વક અંજામ આપ્યો હતો.
સીપીપીની હત્યા કરવાની સ્ટાઈલને વર્ણવતા સ્વતંત્ર બ્લોગરે આરોપ મૂક્યો હતો કે 18 જૂને બંદૂકોથી લેસ એજન્ટોએ નિજ્જરને ટ્રેક કર્યો. જ્યારે કામ પૂરું થયું તો તેમણે કોઈ પણ પુરાવો ન રહે તે માટે નિજ્જરની કારમાં લાગેલા ડેશ કેમેરાને તોડી નાખ્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ એજન્ટો ભાગી ગયા હતા. તેમણે પુરાવા નષ્ટ કરવા માટે તેમના હથિયારો અને કપડાં પણ બાળી નાખ્યા. આગામી દિવસે તે વિમાનથી કેનેડાથી જતા રહ્યા.