બ્રિટનમાં પણ આ યુદ્ધથી બે ભાગ પડ્યા છે, જેમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી
લંડન
પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલનો વિનાશ વેર્યો છે. એવામાં ચાર દિવસથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ વચ્ચેના આ યુદ્ધના પડઘા વિશ્વભરમાં સંભળાય રહ્યા છે. આ પડઘા બે ભાગમાં વિખરાયેલા છે જેમાં એક ભાગ ઈઝરાયેલ સમર્થક છે તો બીજો હમાસને સમર્થન આપે છે. એવામાં બ્રિટનમાં પણ આ યુદ્ધથી બે ભાગ પડ્યા છે. જેમાં આ બે ભાગોમાં તણાવની સ્થિતિ સર્જાય હતી. આ ઘટના બ્રિટનની રાજધાની લંડનનું હાઇ સ્ટ્રીટ કેન્સિંગ્ટન ટ્યુબ સ્ટેશનમાં બની હતી.
આ ઘટનાને લઇને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે હમાસનું સમર્થન કરનારા લોકોને આતંકવાદી ગણાવ્યા હતા. સુનકે ટ્વીટ કર્યું કે, જે લોકો હમાસને સમર્થન આપે છે તેઓ આ હુમલા માટે સંપૂર્ણ જવાબદાર છે. તેઓ સ્વતંત્રતા સેનાની નહીં પરંતુ આતંકવાદી છે. તે જ સમયે, બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને બ્રિટનની સડકો પર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનું આહ્વાન કર્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, લંડનમાં વિવિધ સ્થળોએ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે. ગઈકાલે લંડનમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી. હજારો દેખાવકારો પેલેસ્ટાઈનના ઝંડા લઈને ઈઝરાયેલ વિરુદ્ધ ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તો ત્યાં જ કેટલાક લોકોએ ઇઝરાયલ એમ્બેસી તરફ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.