નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ ગયો છે.
પદ્મશ્રી હરિહરન, પદ્મશ્રી શંકર મહાદેવન, ઓસમાણ મીર, નિશા ઉપાધ્યાય, ઉમેશ બારોટ, યાશિતા શર્મા, માનસી પારેખ ગોહિલ, જાહ્નવી શ્રીમાંકર, આમિર મીર અને પાર્થિવ ગોહિલ જેવા લબ્ધપ્રતિષ્ઠિત ગાયકો દ્વારા સૂરબધ્ધ કરવામાં આવેલું આલ્બમ ‘પંચવી’ મા અંબાના દૈવી આશિર્વાદને રજૂ કરતો સંગીતમય માસ્ટરપીસ છે. આ રોમાંચિત કરી દેતું આલ્બમ પરંપરાગત સંગીતના સીમાડાને પાર કરીને પરિવર્તનકારી અનુભૂતિ
કરાવે છે.
આલ્બમના લોન્ચ પ્રસંગે ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “આગામી નવરાત્રિના તહેવારોની મોસમને ધ્યાને લેતાં પંચવીના વિમોચનનો સમય આનાથી વધારે યોગ્ય ના હોઇ શકે. સુપ્રસિધ્ધ ગાયકોના પ્રદાન સાથે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું આલ્બમ આધ્યાત્મિક શાંતિ શોધી રહેલા લોકો માટે શાંતિમય સ્વર્ગના દરવાજા ખોલી આપે છે. હું દૃઢપણે માનું છું કે આ આલ્બમ સાંભળનારના હૃદયને સ્પર્શી જશે, તેમને મા અંબાના દૈવી આશિર્વાદની નજીક લાવશે અને તેમની આધ્યાત્મિક યાત્રાના માર્ગને પ્રશસ્ત કરશે.”
“આ પ્રસંગે, પંચવીની ખૂબ જ પ્રતિભાશાળી ટીમને અભિનંદન આપું છું. તેમના સમર્પણ અને પ્રતિભાએ તમામ સાંભળનારાઓ માટે અદ્દભૂત અનુભવનું સર્જન કરીને આ આધ્યાત્મિક માસ્ટરપીસને વધારે સમૃધ્ધ બનાવ્યો છે”, એમ નથવાણીએ ઉમેર્યું હતું.
પાર્થિવ ગોહિલ દ્વારા ક્યુરેટ કરાયેલા અને પાર્થ ભરત ઠક્કર દ્વારા સંગીત સંયોજન કરાયેલા આ આલ્બમમાં પોતાનું આગવું સત્વ ધરાવતી એક સ્તુતિ અને ત્રણ આરતીનો સમાવેશ કરવામાં આવેલો છે, જે શ્રોતાઓના આત્માને સ્પર્શી જાય છે. ‘પંચવી’માં નીચે મુજબની કર્ણપ્રિય આરતી સામેલ છે-:
1) વિશ્વંભરી સ્તુતિ
ખ્યાતનામ ગાયક પદ્મશ્રી હરિહરને સમગ્ર બ્રહ્માંડમાં દૈવી ઊર્જાનો સંચય કરી દેનારી સ્તુતિ, “વિશ્વંભરી સ્તુતિ”માં પોતાનો ભાવપૂર્ણ સ્વર આપ્યો છે.
2) ખમ્મા ખમ્મા – બહુચર માતાની આરતી
“ખમ્મા ખમ્મા” એ ઉમેશ બારોટ અને યાશિતા શર્માના કર્ણપ્રિય અવાજમાં ગવાયેલી દૈવી આરતી છે, જેમાં સંગીત નિશીથ મહેતાએ આપ્યું છે. આ ગીત તમને દૈવી શક્તિની આરાધનામાં ગરકાવ થઈને સંગીત તથા ગીતના સુમધુર મિશ્રણમાં તલ્લીન બનવા આમંત્રિત કરે છે. આ આરતી પંચવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ અને ઇન્ટાગ્રામ પર ઓક્ટોબર 13, 2023ના રોજ રજૂ થશે.
3) જય આદ્યા શક્તિ
શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારી આરતી “જય આદ્યા શક્તિ”ના દૈવી અહેસાસની અનુભૂતિ આપણને આપણી અંદરની પવિત્ર ઊર્જાનો અહેસાસ કરાવે છે. શંકર મહાદેવનના અભિભૂત કરી દેતા સ્વરમાં આ આરતી તમને તમારા અંતર આત્માનો પરિચય કરાવે છે. આ આરતી પંચવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ અને ઇન્ટાગ્રામ પર ઓક્ટોબર 15, 2023ના રોજ રજૂ થશે.
4) અંબે તુ હૈ જગદંબે કાલી
“અંબે તુ હૈ જગદંબે કાલી”નું આ સુંદર વર્ઝન એ પ્રતિભાશાળી જાહ્વવી શ્રીમાંકર, માનસી પારેખ ગોહિલ, નિશા ઉપાધ્યાય, ઓસમાણ મીર, આમિર મીર અને પાર્થિવ ગોહિલના સહિયારા પ્રયાસોથી તૈયાર થયું છે. આ સુંદર સંગીતમય રચના આધ્યાત્મિકતાને પ્રેરિત કરે છે. પંચવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ અને ઇન્ટાગ્રામ પર ઓક્ટોબર 17, 2023ના રોજ રજૂ થશે.
અગાઉ દ્વારકાની વણકહેલી દાસ્તાન આધારિત ‘રાજાધિરાજ’ નામના આલ્બમ તથા કોફી ટેબલ બુકને પ્રસ્તુત કરનારા નથવાણી આધ્યાત્મિક સમુદાયમાં જાણીતી હસ્તી છે અને તેમના આલ્બમ ‘પંચવી’માં તેમના ભક્તિભાવની લાગણીને બખૂબી વણી લેવામાં આવી છે. આ આલ્બમ ધાર્મિક પરંપરાઓની જાળવણી તથા તેના પ્રચાર-પ્રસાર પ્રત્યે તેમના અથાગ સમર્પણના પ્રતિક સમાન છે.