મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી ૨૫મી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી
પુના, નવી દિલ્હી
ભારતમાં હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે, દક્ષિણ- પશ્ચિમ મોન્સૂન ૧૫મી ઓક્ટોબરથી સામાન્ય તારીખના ૪ દિવસ પછી ગુરૂવારે (તા. ૧૯ ઓક્ટો.) ભારતમાંથી સંપૂર્ણ રીતે વિદાય થયું છે. મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી ૨૫મી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. સામાન્યત: દક્ષિણ- પશ્ચિમ મોન્સૂન ૧લી જૂન સુધીમાં કેરળમાં શરૂ થઈ જાય છે અને ૮મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. ઉત્તર- પશ્ચિમ ભારતમાંથી ૧૭મી સપ્ટેમ્બર આસપાસ મોન્સૂનની વિદાય શરૂ થાય છે અને ૧૫મી ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણત: વિદાય લઈ લે છે.
આઇ.એમ.ડી.એ તેના એક નિવેદનમાં કહ્યું છે કે : ‘દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ૧૯ ઓક્ટોબરે દેશના અન્ય વિસ્તારોમાંથી વિદાય થઈ ગયું છે. દક્ષિણ ભૂ-શિર ભારતમા પૂર્વની અને ઉત્તર પૂર્વની હવાને લીધે, આગામી ૩ દિવસમાં તે ક્ષેત્રમાં નોર્થ-ઇસ્ટ મોન્સૂનની ગતિવિધિ શરૂ થવાનું અનુમાન છે. જો કે, અલ-નીનોની પ્રબળતાને લીધે ચાર મહિના (જૂન- સપ્ટેમ્બર)ની વર્ષાની લોંગ પિરિયડ એવરેજ (એલ.પી.એ.) ૮૬૮.૬ મી.મી. છે તેના પ્રમાણમાં આ વર્ષે ૮૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે.’
આઇ.એમ.ડી.એ જણાવ્યું છે કે, હિન્દ- મહાસાગર દ્વિ-ધુ્રવીય (આઇ.ઓ.ડી.) અને મૈડન જુલીયન ઓસીવેશન (એમ.જે.ઓ.) જેમાં અનુકૂળ કારકોને લીધે અલ-નિનોને લીધે આવતી ઉણપ ઓછી કરી છે તેથી દેશમાં લગભગ સામાન્ય વર્ષા થઈ છે. તો કેટલાક ભાગોમાં ‘સામાન્ય’થી વધુ વર્ષા પણ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, એલપીએના ૯૬ ટકાથી ૧૦૪ ટકા વચ્ચે નોંધાયેલી વર્ષા સામાન્ય કહેવાય છે. દક્ષિણ અમેરિકા પાસે પ્રશાંત મહાસાગરમાં પાણી ગરમ થવાને લીધે ઉપસ્થિત થતી અલ-નીનો પરિઘટના ભારતમાં નબળા ચોમાસા અને સૂકી હવા સાથે સંબંધિત છે. આઇઓડીને આફ્રિકા પાસે હિન્દ મહાસાગરના પશ્ચિમી ભાગો અને ઇન્ડોનેશિયા પાસેના મહાસાગરના પૂર્વના ભાગો વચ્ચે સમુદ્રની સપાટી ઉપરનાં ઉષ્ણતામાં રહેલા અંતરથી પરિભાષિત કરવામાં આવે છે. એમ.જે.ઓ. મહદ અંશે હવામાનનો વિક્ષેપ છે જે ઉષ્ણ કટિબંધીય આફ્રિકામાં ઉત્પન્ન થાય છે અને પૂર્વ તરફ આગળ વધે છે. હવાનો આ પ્રવાહ ૩૦થી ૬૦ દિવસ ચાલે છે. તે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ગરમ હવાનો પ્રવાહ વધારવા માટે કારણભૂત છે.