ઇન્ડિયન ઓઇલની પરિવર્તન- પ્રિઝન ટુ પ્રાઇડ સામાજિક સંરક્ષક પહેલ હેઠળ કેદીઓને તાલીમ આપવામાં આવી હતી
મુંબઇ
ઉત્કૃષ્ટ પ્રતિભા, પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન દાખવી કરેલા અભૂતપૂર્વ દેખાવમાં યરવડા સેન્ટ્રલ જેલ પૂણે અને ચિલ્ડ્રન કરેક્શનલ હોમ, ભોપાલની ભારતીય ટીમોએ કેદીઓ માટેની ઇન્ટરકોન્ટિનેન્ટલ “ચેસ ફોર ફ્રીડમ” ઓનલાઇન ચેસ ચેમ્પિયનશિપમાં અનુક્રમે ઓપન અને યુથ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્યે બંને સ્થળોની ટીમના સભ્યોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે, ” વૈશ્વિક સ્તરે ભારત અને ઈન્ડિયનઓઈલનું નામ ઝળકાવવા બદલ હું બંને ટીમોને હાર્દિક અભિનંદન પાઠવું છું. કારોબાર સિવાયની પ્રવૃત્તિઓમાં મળેલી આ સફળતા પર અમને અત્યંત ગર્વ છે અને આ પ્રકારની સફળતાઓ અમને પાયાના સ્તરે સાચા અર્થમાં પરિવર્તન આણવાની ક્ષમતા ધરાવતી આવી સામાજિક નિસ્બત સાથે સંકળાયેલી પહેલમાં વધુ રોકાણ કરવાનો આત્મવિશ્વાસ પૂરો પાડે છે. આ નોંધપાત્ર સિદ્ધિ કેદીઓના જીવનને બહેતર બનાવવાના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે જ નવી આશા અને વ્યાપક તકો પૂરી પાડશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ સ્પોર્ટ્સ કોચિંગ કાર્યક્રમો દ્વારા દેશભરમાં જેલના કેદીઓ અને યુવા કેદીઓના પુનર્વસન માટે એક મુખ્ય સામાજિક સંરક્ષક પહેલ પરિવર્તન – પ્રિઝન ટુ પ્રાઇડ હેઠળ ટીમોને તાલીમ આપવામાં આવી છે.
2021 માં તેની શરૂઆતથી, આ પહેલ અંતર્ગત પાંચ તબક્કામાં 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 105 જેલ અને કિશોર ગૃહો, 5000 થી વધુ કેદીઓ અને કિશોરોને તાલીમ અપાઈ છે.
ઓપન કેટેગરીમાં, અગાઉની એડિશનમાં બ્રોન્ઝ જીતનાર યરવડા સેન્ટ્રલ જેલ પુણેની ટીમે અભૂતપૂર્વ દેખાવ કરી અલ સાલ્વાડોરને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ચિલ્ડ્રન કરેક્શનલ સેન્ટર, ભોપાલની ટીમે સર્બિયા સામે નોંધપાત્ર જીત મેળવીને ફાઇનલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
અગાઉ, ચેમ્પિયનશિપ માટે ટીમોની પસંદગી કરવા માટે, કોર્પોરેશન અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને સંયુક્ત રીતે સપ્ટેમ્બર 2023 માં બીજી ‘પરિપ્રિઝન ટુ પ્રાઇડ ઓનલાઇન ચેસ ટૂર્નામેન્ટ’ નું આયોજન કર્યું હતું, આ અનોખી ઇવેન્ટમાં ભારતભરની કુલ 21 જેલ અને સુધારગૃહોએ ભાગ લીધો હતો. કોર્પોરેશને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ) અને પ્રિઝન ઓથોરિટીઝના સહયોગથી ટુર્નામેન્ટ માટે જરુરી સુવિધાઓ પૂરી પાડી છે, જેમાં ભાગ લેનારી તમામ ભારતીય જેલોને ટ્રેનિંગ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની સુવિધાનો સમાવેશ થાય છે.
વર્લ્ડ ચેસ ફેડરેશન (ફિડે) દ્વારા 11 થી 13 ઓક્ટોબર, 2023 દરમિયાન આયોજિત આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટનો હેતુ જેલના કેદીઓના પુનર્વસન અને પુનઃસંકલન માટે મૂલ્યવાન માધ્યમ તરીકે ચેસને પ્રોત્સાહન આપવાનો છે. આ ટુર્નામેન્ટમાં તમામ ખંડોનું પ્રતિનિધિત્વ કરતી 50 દેશોની 118 ટીમોએ ભાગ લીધો હતો. જેણે કેદીઓને વિશ્વભરના કેદીઓ સાથે જોડાવાની અનોખી તક પૂરી પાડી હતી.