ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ બોલતાં વિદ્યાર્થીએ પણ સામે જય શ્રી રામ બોલીને જવાબ આપતા મહિલા પ્રોફેસર નારાજ થયા હતા

ગાઝિયાબાદ
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એબીઈએસ એન્જિનિયરિંગ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ દરમિયાન એક વિદ્યાર્થીએ જય શ્રી રામ બોલતાં ત્યાં હાજર મહિલા પ્રોફેસરે તેને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. આ મામલે વીડિયો સામે આવ્યા બાદ મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે એબીઈએસ એન્જિનિયરિંગ કોલેજના પ્રોગ્રામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. તેમાં જોઈ શકાય છે કે કોલેજમાં યોજાઈ રહેલા પ્રોગ્રામ દરમિયાન મંચ પર એક વિદ્યાર્થી પરફોર્મ કરવા પહોંચે છે. સામે ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ બોલતાં વિદ્યાર્થીએ પણ સામે જય શ્રી રામ બોલીને જવાબ આપ્યો હતો.
મંચ પર હાજર વિદ્યાર્થી દ્વારા જય શ્રી રામ બોલવા અંગે મહિલા પ્રોફેસરે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ મંચની નજીક ગયા અને વિદ્યાર્થીને બોલતા અટકાવી દીધો અને મંચ પરથી ઉતરી જવા કહી દીધું. વિદ્યાર્થીએ કહ્યું કે પહેલા ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ કહ્યું હતું. જેના બાદ તેણે જવાબમાં કહ્યું હતું. જોકે કોઇએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને તે વાયરલ થઈ ગયો છે. હવે એબીઈએસ કોલેજના મેનેજમેન્ટે પ્રોફેસર મમતા ગૌતમ અને ડૉ. સ્વેતા શર્માને સસ્પેન્ડ કરી દીધા છે.