સ્પીડ લિમિટના ઉલ્લંઘનની આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હોવાની પોલીસની સ્પષ્ટતા
નવી દિલ્હી
ગુરુવારે વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે 200 કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી. જેના કારણે તેની સામે ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. જે પછી રોહિતના ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી હતી કે રોહિત આ કેવી રીતે કરી શકે છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે રોહિતની કારની ગતિ 200 કિમી/કલાકની આસપાસ પણ ન હતી.
મળેલા અહેવાલ મુજબ રોહિતે મુંબઈ-પુણે હાઈવે પર 105 કિમી/કલાક અને 117 કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી હતી. હવે જ્યારે અહીં મહત્તમ ઝડપ મર્યાદા 100 કિમી/કલાક છે, ત્યારે તેને બે વખત મર્યાદા તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. દરેક ઘટના માટે 2,000 રૂપિયાના હિસાબે રોહિત પાસેથી કુલ 4,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રોહિતે ગુરૂવારે દંડની રકમ ભરી દીધી હતી.
હાઈ-વે પોલીસના અધિક્ષકે પુષ્ટિ આપી હતી કે, “સ્પીડ લિમિટના ઉલ્લંઘનની આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. રોહિત શર્મા દ્વારા દંડનીઓ રકમ તરત જ ચૂકવવામાં આવી હતી. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રોહિત શર્મા 200 કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો, જે બિલકુલ સાચા નથી. હાઇવે પર રોહિતની કારે સ્પર્શ કરેલી મહત્તમ ઝડપ મર્યાદા 117 કિમી/કલાક હતી. આ સમય દરમિયાન એક્સપ્રેસ વેની બંને બાજુ લગાવેલા કેમેરામાં તેની કાર કેદ થઇ ગઈ હતી.