ઈઝરાયેલની સેના ગાઝા પર અત્યાચાર કરી રહી છે અને આ બંધ થવું જોઈએ એવો નેતાએ અભિપ્રાય વ્યક્ત કર્યો
હૈદ્રાબાદ
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં જુસ્સાદાર નારા લગાવતા જોવા મળ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પેલેસ્ટાઈનના પક્ષમાં નારા લગાવતા જોવા મળી રહ્યા છે.
એઆઈએમઆઈએમ દ્વારા પેલેસ્ટાઈનના સમર્થનમાં એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા મુસ્લિમ ધાર્મિક નેતાઓએ હાજરી આપી હતી. અસદુદ્દીન ઓવૈસી ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમનું કહેવું છે કે ઈઝરાયેલની સેના ગાઝા પર અત્યાચાર કરી રહી છે અને આ બંધ થવું જોઈએ. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે પેલેસ્ટાઈનને પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર હોવું જોઈએ. તેમણે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હું મારા દેશના લોકોને કહેવા માંગુ છું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈન એ આરબોની ભૂમિ છે, જેમ ઈંગ્લેન્ડ અંગ્રેજોની ભૂમિ છે અને ફ્રાન્સ ફ્રેન્ચોની ભૂમિ છે. અમને હંમેશા લાગતું હતું કે પેલેસ્ટિનિયનોનું પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર હોવું જોઈએ. ઓવૈસીએ ઈઝરાયેલ પર છેલ્લા 80 વર્ષથી પેલેસ્ટાઈનની જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે ભારતે હંમેશા પેલેસ્ટાઈનના લોકોનું સમર્થન કર્યું છે. ભારતને હંમેશા એવું લાગતું હતું કે પેલેસ્ટાઈનીઓને પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર હોવું જોઈએ. યુદ્ધ શરૂ થયાના દિવસો પછી ઓવૈસીએ પેલેસ્ટાઈન અને ગાઝાની પ્રશંસા કરી અને હિંસાની નિંદા કરી હતી. ઓવૈસીએ એક્સ (અગાઉનું ટ્વિટર) પરની એક પોસ્ટમાં જેરુસલેમની અલ-અક્સા મસ્જિદનો ફોટો શેર કર્યો હતો.