ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છેઃ રાહુલ ગાંધી
રાયપુર
છત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન સત્તાધારી કોંગ્રેસ તરફથી આજે રાહુલ ગાંધી બે દિવસ માટે અહીં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી હતી કે છત્તીસગઢની તમામ સ્કૂલ અને કોલેજોમાં રાજ્યની પ્રજાને કેજીથી લઈને પીજી સુધી મફત અભ્યાસ કરાવાશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છે. તેમણે ફરી જાતિ આધારિત વસતી ગણતરીનો મામલો ઊઠાવતાં કહ્યું કે તેના પછી જ દેશને ખબર પડશે કે ઓબીસીની વસતી કેટલી છે? તેમણે કહ્યું કે મીડિયા પીએમ મોદીને સવાલ નથી કરતી, સવાલ તમારે કરવો પડશે. તેમને પૂછો કે પીએમ મોદી જાતિ આધારિત વસતી ગણતરીથી ડરે કેમ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવે તો તેનો ઉપયોગ ગામમાં જ થાય છે. ગામનું અર્થતંત્ર મજબૂત બને છે. અદાણી વિદેશોમાં ખર્ચ કરે છે, મકાન ખરીદે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે વીજળીના બિલ અડધાં કરી દીધા અને તમારા ખિસ્સામાં પૈસામાં આવ્યા.
કોંગ્રેસ નેતાએ સભાને સંબોધતા કહ્યું કે અમારી સરકાર ખેડૂતો, મજૂરો અને બેરોજગારીની મદદ કરે છે. જ્યારે ભાજપની સરકાર અદાણીની મદદ કરે છે. ભાજપના લોકો મોટાભાગે ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે, અમે દેશના ગરીબ આદિવાસી, દલિતો માટે કામ કરીએ છીએ. રાહુલે કહ્યું કે અમે જ મનરેગા લાવ્યા હતા અને તેમણે આ યોજનાને નકામી ગણાવી હતી.