દેશ છોડીને જતા હેવાનો ઈનકાર કરી દીધો હોઈ આ કૃત્ય આચરવામાં આવી શકે છે એવી શંકા પૂર્વ વડાપ્રધાને વ્યક્ત કરી
ઈસ્લામાબાદ
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઘરવાપસી બાદ પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પાકિસ્તાનમાં ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે હાલમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાનખાને આશંકા વ્યક્ત કરી છે કે, મને જેલમાં ધીમુ ઝેર આપીને મારી નાંખવાનો પ્રયત્ન થઈ શકે છે. કારણકે મેં દેશ છોડીને જતા હેવાનો ઈનકાર કરી દીધો છે.
ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યુ છે કે, હું દેશ છોડવા માટે તૈયાર નથી એટલે જેલમાં મારો જીવ લેવાનો વધુ એક પ્રયત્ન થઈ શકે છે. આ માટે સ્લો પોઈઝનનો ઉપયોગ પણ કરી શકાય છે.
ઈમરાન ખાન હાલમાં સિક્રેટ દસ્તાવેજો લીક કરવાના કેસમાં જેલના સળીયા પાછળ ધકેલાયેલા છે. તેમણે કહ્યુ હતુ કે, અત્યારે તો હું સ્વસ્થ છું પણ જો શરીરમાં નબળાઈ આવશે કે બીજા કોઈ ફેરફારો થશે તો મને ખબર પડશે. આ પહેલા પણ મારો જીવ લેવાના બે પ્રયત્નો થઈ ચુકયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાયદાની જે રીતે મજાક ઉડાવાઈ છે તે દેશના લોકોએ જોયુ છે. જે પણ થઈ રહ્યુ છે તે એક કાયર, ભાગેડુ અને ભ્રષ્ટ અપરાધી તેમજ તેના સાથીદારો વચ્ચે લંડનમાં થયેલી ડીલનુ પરિણામ છે.
ઈમરાન ખાન પોતાના પર લગાવાયેલા તમામ આરોપોને પહેલા જ ફગાવી ચુકયા છે. તેમનુ કહેવુ હતુ કે, ચૂંટણી સુધી મને જેલમાં રાખવા માટે મારા પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાનની એક કોર્ટે સોમવારે ઈમરાન ખાન અને તેમના નજીકના નેતા શાહ મહેમૂદ કુરેશી પર એક મામલામાં ચાર્જ ફ્રેમ કર્યા છે.