બોલિવિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવતા રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી
જેરૂસલેમ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહીમાં 10000થી વધુ લોકો માર્યા ગયા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય. આ બધાની વચ્ચે દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની સરકારે ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી છે.
બોલિવિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવતા રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. જો કે બોલિવિયા અને ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ 2009માં પણ બોલિવિયાએ ગાઝા પટ્ટી પર હુમલાના વિરોધમાં ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ 2020 માં, રાષ્ટ્રપતિ જીનીન એનેઝની સરકારે સંબંધો પુનઃસ્થાપિત કર્યા હતા.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઇઝરાયેલની સેના ગાઝામાં પ્રવેશી ગઈ છે. અત્યાર સુધી બધું પ્લાન મુજબ ચાલી રહ્યું છે. ઇઝરાયેલી સેનાના સૈનિકો ઝાડીઓમાં છુપાઇને આગળ વધી રહ્યા છે. તેમના હાથમાં ઘાતક હથિયારો છે. તેઓ ગોળીઓ ચલાવી રહ્યા છે. ગાઝા શહેરમાં દરેક જગ્યાએ ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે અને દરેક જગ્યાએ આગ અને ધુમાડો દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી 5 હજારથી વધુ રોકેટ ફાયર કરીને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદથી જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી.