હમાસ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયલના અત્યાર સુધી 16 સૈનિકોનાં મોત થયા

જેરૂસલેમ
ઈઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે તેણે હમાસના પ્રથમ સુરક્ષા ઘેરાને તોડી નાખ્યો છે અને હવે તેના સૈનિકો ગાઝા શહેર તરફ આગળ વધી રહ્યા છે. આટલું જ નહીં ઈઝરાયલી સૈન્યએ હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યાનો પણ દાવો કર્યો છે. હમાસ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયલના અત્યાર સુધી 16 સૈનિકો મૃત્યુ પામી ગયા છે.
ઈઝરાયલના સુરક્ષા દળોના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે અમે પ્લાનિંગ, સચોટ ગુપ્ત માહિતી અને સંયુક્ત હુમલા સાથે ગાઝા પટ્ટીની ઉત્તરે હમાસના પ્રથમ સુરક્ષા ઘેરાને નષ્ટ કરી દીધો છે. બ્રિગેડિયર આઈડીએફના 162મી ડિવિઝનના કમાન્ડર જનરલ ઈત્જિક કોહેને કહ્યું કે ઈઝરાયલી સેના ગાઝામાં અંદર આગળ વધી ગઈ છે અન ગાઝાના દ્વાર સુધી પહોંચી ગઈ છે.
કોહેને કહ્યું કે છેલ્લા પાંચ દિવસોમાં અમે હમાસની મોટાભાગની ક્ષમતાઓ નષ્ટ કરી દીધી છે. તેની રણનીતિક સુવિધાઓ, તેના તમામ વિસ્ફોટકો, તેની ટનલો અને અન્ય સુવિધાઓ પર સીધો પ્રહાર કરાયો છે. જોકે તેમણે કહ્યું કે આ યુદ્ધ લાંબુ ચાલશે અને એક કપરો મિશન છે. આ સાથે આઈડીએફએ કહ્યું કે તેણે હવાઈ હુમલામાં હમાસના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રમુખ કમાન્ડર મોહમ્મદ એસારને ઠાર માર્યો હતો. આઈડીએફએ આ હુમલાનો વીડિયો પણ જારી કર્યો હતો.