વ્યાજદરોને 5.25-5.50 ટકાની વચ્ચે રાખવાનો નિર્ણય કર્યો, આ વ્યાજદરો પહેલાંથી જ અમેરિકાના ઈતિહાસમાં 22 વર્ષોના નીચલા સ્તરે છે
વોશિંગ્ટન
અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે સતત બીજી એફઓએમસી બેઠકમાં વ્યાજદરોને કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા વિના જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. આ બેઠકમાં ફેડ ચેરમેને જાહેરાત કરી હતી કે વ્યાજદરો નક્કી કરતી ફેડરલ ઓપન માર્કેટ કમિટીના સભ્યોએ સર્વાનુમતે વ્યાજદરોને 5.25-5.50 ટકાની વચ્ચે રાખવાનો નિર્ણય કર્યો છે. આ વ્યાજદરો પહેલાંથી જ અમેરિકાના ઈતિહાસમાં 22 વર્ષોના નીચલા સ્તરે છે.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે ફેડ રિઝર્વ મોંઘવારી દરમાં ઘટાડા માટે ભવિષ્યમાં પણ વ્યાજદરો પર સાવચેતીપૂર્વકની નાણાકીય નીતિનું વલણ અપનાવશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક 2 દિવસ ચાલી હતી અને તેમાં વ્યાજદરોને યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેના વિશે કેન્દ્રીય બેન્કનું માનવું છે કે નીતિનિર્માતાઓને વધારાની જાણકારી અને મૌદ્રિક નીતિ માટે લાગુ કરવામાં મદદ મળી શકે.
ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીની આ સતત બીજી બેઠક હતી જેમાં વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા. આ પહેલા માત્ર વર્ષ 2023માં જ ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો અને તે સહિત ફેડએ કુલ 11 વખત વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ અમેરિકન બજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો અને અમેરિકી માર્કેટમાં હરિયાળી છવાઈ ગઈ હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 0.67 ટકાના વધારા સાથે 33,274 ના સ્તર પર બંધ થયો. જ્યારે નાસ્ડેક કોમ્પોઝિટ 210 પોઈન્ટ એટલે કે 1.64 ટકાના વધારા સાથે 13,061 ના સ્તર પર બંધ થયો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 1.05 ટકાના વધારા સાથે 4,237 ના સ્તર પર બંધ થયો.