ગુજરાતના 19 ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરવા ચીન ખાતે ગયા હતા

અમદાવાદ
ભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કરતા કુલ 111 મેડલ જીત્યા હતા, જેમાં 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત તરફથી ગુજરાત રાજ્યના 19 ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 6 ખેલાડીઓએ 9 મેડલ મેળવી ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
એશિયન પેરા ગેમ્સ 2014માં ગુજરાતના 3 ખેલાડીઓ અને એશિયન પેરા ગેમ્સ 2018માં ગુજરાતના 9 ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે આ વખતે ગુજરાતના 19 સિતારાઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા ચીન ખાતે ગયા હતા. ગુજરાતના આ 6 ખેલાડીઓએ રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે.
ભારતીય એથ્લીટોએ એશિયન પેરા ગેમ્સ 2023માં ચોથા દિવસ સુધી કુલ 82 મેડલ જીત્યા હતા. આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું કારણ કે આ પહેલા ભારતે એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 73 મેડલ જીત્યા હતા. ગુરુવાર સુધી ભારતીય એથ્લીટોએ 18 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. એવું પણ પહેલીવાર બન્યું છે કે ભારતે એશિયન પેરા ગેમ્સના મેડલ ટેબલમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.