રાહુલ ગાંધીએ એઆઈએમએઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો

હૈદ્રાબાદ
તેલંગાણામાં 119 વિધાનસભાની બેઠકો માટે 30મી નવેમ્બરે મતદાન થનાર છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી રહ્યા છે તેવામાં પ્રચારમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો તેમજ નિવેદબાજી ચાલુ છે. રાહુલ ગાંધીએ ઓવૈસી પર ભાજપ પાસેથી પૈસા લેઈને પોતાના ઉમેદવારો ઉતારવાનો આરોપ લગાવ્યા બાદ હવે ઓવૈસીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ મુસ્લિમ હોવાના કારણે આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે તેલંગાણાના કોલ્લાપુરમાં એક જાહેર સભા દરમિયાન એઆઈએમએઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે ભાજપ પાસેથી પૈસા લઈને વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ વિરુદ્ધ ઉમેદવાર ઉભા રાખે છે. ઓવૈસીએ આ આરોપો પર પલટવાર કરતા કહ્યું કે તેઓ મુસ્લિમ હોવાના કારણે આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ઓવૈસીએ વધુમાં જવાબ આપતા કહ્યું રાહુલ ગાંધી આ આરોપો લગાવે છે કારણ કે મારું નામ અસદુદ્દીન ઓવૈસી છે, હું ટોપી પહેરું છું અને મારા ચહેરા પર દાઢી રાખું છું.
ઓવૈસીએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે તેમની ધાર્મિક ઓળક પ્રત્યે નફરતના કારણે તેમના પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ઓવૈસીએ પ્રશ્નો પૂછ્યા હતા કે શું રાહુલ ગાંધીએ વર્ષ 2014ની અને 2019ની લોકસભા ચૂંટણી હારવા માટે ભાજપ પાસેથી પૈસા લીધા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે રાહુલે તેમના મિત્રો જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપમાં સામેલ થયેલા જિતિન પ્રસાદ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો નથી. ઓવૈસીએ વધુમાં રાહુલ ગાંધીને પૂછ્યું કે શું 2008ના પરમાણું કરારમાં UPAને સમર્થન આપવા માટે કેટલા પૈસા લીધા? આ ઉપરાંત પૂછ્યું કે આંધ્રપ્રદેશમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં કિરણ કુમાર રેડ્ડીની સરકારને સમર્થન આપવા માટે કેટલા પૈસા લેવામાં આવ્યા?