આ મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર ભારત પાસે સ્પષ્ટતા માગશેઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી
ઢાકા
ભારતની નવી સંસદમાં દર્શાવાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળ બાદ હવે બાંગ્લાદેશના પેટમાં પણ તેલ રેડાયુ છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે, આ મુદ્દા પર અમારી સરકાર ભારત પાસે સ્પષ્ટતા માંગશે.અમે નવી દિલ્હીમાં હાઈ કમિશનને સૂચના આપી છે કે, ભારત સરકારનો અખંડ ભારતના નકશાના મુદ્દે સંપર્ક કરીને જાણકારી લે. આ નકશાને લઈને દેશમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી રહી છે અને એટલે જ અમે ભારત સરકારનો આ મુદ્દે જવાબ માંગવાની કાર્યવાહી કરી છે.
બાંગ્લાદેશમાં બે દિવસ પહેલા મુખ્ય વિરોધ પક્ષ બીએનપીએ નકશાને દેશની સ્વાયત્તતા સામે ખતરો ગણાવ્યો હતો. વિરોધ પક્ષના આક્રમક વલણના કારણે શેખ હસીનાની સરકાર પર આ મુદ્દે કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યુ છે.
ભારતીય વિદેશ મંત્રાલય જોકે પહેલા જ કહી ચુકયુ છે કે, સંસદમાં રજૂ કરાયેલો અખંડ ભારતનો નકશો નથી બલકે સમ્રાટ અશોકના એમ્પાયરને નકશામાં દર્શાવાયો છે.
નકશાને લઈને આ પહેલા પાકિસ્તાનમાં પણ નેતાઓઓ બળાપો કાઢ્યો હતો અને પાકિસ્તાની સરકારના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ભારત પાડોશી દેશો પર આધિપત્ય જમાવવા માંગે છે.