ચીનમાં હવે બિજિંગ સહિત તેની આસપાસના વિસ્તારોમાં સર્જાઈ, લાખો લોકો પ્રદૂષણના કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે

નવી દિલ્હી
દેશની રાજધાની દિલ્હીનો પ્રદૂષણના કારણે શ્વાસ રુંધાઈ રહ્યો છે. જોકે પ્રદુષણની સમસ્યા માત્ર ભારતને જ નહીં પણ ચીનને પણ હેરાન કરી રહી છે.
ભારતમાં તો મુંબઈની હવાની ગુણવત્તા પણ બગડી છે. આ જ સ્થિતિ ચીનમાં હવે બિજિંગ સહિત તેની આસપાસના વિસ્તારોમાં સર્જાઈ રહી છે. અહીં રહેતા લાખો લોકો પ્રદૂષણના કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે.
રાજધાની બિજિંગમાં ધુમ્મસ અને ખરાબ હવાના કારણે અધિકારીઓને ચેતવણી આપવી પડી છે. કારણકે બિજિંગમાં 50 મીટરથી પણ ઓછી વિઝિબિલિટી રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ચીનના હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજધાની બિજિંગ, મેગા સિટી તિયાનજિન, હેબેઈ, શેડોંગ તેમજ હુબેઈ શહેરોમાં સ્મોગની સ્થિતિ સર્જાઈ છે. આ શહેરોમાં દસ કરોડ લોકો વસવાટ કરે છે.
બિજિંગમાં સ્મોગના કારણે લોકો રસ્તા પર માસ્ક પહેરીને ફરતા નજરે પડી રહ્યા છે. ગત સપ્તાહ દરમિયાન બિજિંગમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે રહ્યુ હતુ. બુધવારે બિજિંગ ધરતી પરનુ ત્રીજુ સૌથી પ્રદૂષિત શહેર હતુ. ગુરુવારે દિલ્હી પહેલા સ્થાને હતી. અત્યારે બિજિંગ 13મા ક્રમે છે. જયારે આ લિસ્ટમાં મુંબઈ નવમા સ્થાને હતુ. બિજિંગમાં પીએમ 2.5 પાર્ટિકલ્સનુ પ્રમાણે ડબલ્યુએચઓના ધારાધોરણ કરતા 20 ગણુ વધારે રહ્યુ હતુ.
બિજિંગને પ્રદૂષણની સમસ્યા વર્ષોથી હેરાન કરી રહી છે. એક દાયકા પહેલા ચીને પ્રદૂષણ સામે વોર ઓન પોલ્યુશન અભિયાનની શરુઆત કરી હતી પણ જમીન પર તેની કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી.