ભાજપ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ છત્તીસગઢમાં કોંગ્રેસનો મુકાબલો કરી શકે તેમ નથીઃ કોંગ્રેસનો પડકાર

રાયપુર
છતીસગઢમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે એવામાં હાલ રાજનીતિએ જોર પકડ્યું છે. ભાજપે રાજ્યના સીએમ પર 508 કરોડના કૌભાંડના આરોપ લગાવ્યા હતા. ભાજપે આરોપ કર્યો કે મની લોન્ડરિંગના મામલે મહાદેવ એપના પ્રમોટરે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ આપી છે. આ મામલે રાજનીતિનો માહોલ ગરમાયો છે. ભાજપના નિવેદન બાદ સીએમ સહિત કોંગ્રેસે આ મામલે પ્રહાર કર્યા હતા.
છત્તીસગઢમાં ચૂંટણી ટાણે મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે આ આરોપો પર ભૂપેશ બઘેલે કહ્યું કે, કૌભાંડ સાથે મારે કોઈ લેવાદેવા નથી. મને બદનામ કરવાનું ષડયંત્ર છે. છત્તીસગઢમાં હારથી ભાજપ ડરી ગઈ છે. ભાજપ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ છત્તીસગઢમાં કોંગ્રેસનો મુકાબલો કરી શકે તેમ નથી. સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના ઉપયોગથી વિપક્ષને ડરાવી રહ્યું છે. ઉપરાંત તેમણે ઈડીને જનતા વિરોધી ગણાવી હતી.
આ સિવાય કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર લાગેલા આરોપો ને લઈ વાત કરી હતી. જયરામ રમેશે કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. પીએમ અને તેમની પાર્ટીએ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ શરૂ કરી દીધો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ તેનો મોટા પ્રમાણમાં તેનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ બદલાની રાજનીતિ કરી રહ્યું છે.