“વિદ્યાર્થી સતર્કતા અભિયાન” હેઠળ શાળા કક્ષાએ લગભગ પાંચ લાખ બાળકોને જીવન જરુરી બાબતોની તાલીમ આપવામાં આવશે
શાળા કક્ષાએથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રક્તદાન, અંગદાન, થેલેસેમિયા, એનીમિયા, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે તે આ અભિયાનનો આશય છે
અમદાવાદ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો અમદાવાદથી શુભારંભ કરવામાં આવ્યો છે. “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”ને અમદાવાદની દિવાનબલ્લુભાઇ શાળાથી શરુ કરતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, રેડક્રોસ અને અમદાવાદ મેડિકલ એસોશિએશનની સાથે મળીને ભાવિ પેઢીને માનવતાવાદી પ્રવૃતિમાં સમાજમાં કેવી રીતે મદદરુપ થવાય અને તેમનું અને સમાજનું જીવન ઘોરણ ઉંચું આવે તે માટે “વિદ્યાર્થી સતર્કતા અભિયાન” શરુ કરવામાં આવ્યું છે.
“વિદ્યાર્થી સતર્કતા અભિયાન”ને શરુ કરાવતા અજય પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતના તબક્કામાં અમે અમદાવાદની તમામ શાળાઓમાં લગભગ પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપીશું અને ત્યારબાદ અભિયાન આગળ ધપાવતાં રાજયની શાળાના વિદ્યાર્થીઓ આ “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”માં જોડાય અને તાલીમ મેળવી સમાજમાં ઉપયોગી થાય તે અમારું લક્ષ્ય છે.
દિવાન બલ્લુભાઇ શાળાના જ વિદ્યાર્થી રહેલા અજય પટેલે આ અભિયાન તેમની જ શાળાથી શરુ કરતાં જણાવ્યું હતું કે, શાળા કક્ષાથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે એ આખાય અભિયાનનો આશય છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તુષાર પટેલે જણાવ્યું હતું કે, આ સતર્કતા અભિયાનથી રોડ અકસ્માત થાય તો તેની પ્રાથમિક સારવાર કઇ આપી શકાય, સીપીઆર, રક્તદાન, અંગદાન, એનિમીયા, થેલેસેમિયા અને બેંકિંગ અંગે પ્રાથમિક સમજ આપે છે અને શાળા સ્તરે મળેલી માહિતી તેમેને અને સમાજ જીવનમાં મદદરુપ થાય છે. આ અભિયાનના પ્રારંભ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત બ્રાન્ચના સેક્રેટરી મેહુલ શાહ તથા દિવાન બલ્લુભાઈ શાળા પરિવારના ટ્રસ્ટી તથા શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થી સતર્કતા અભિયાનમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત, અમદાવાદ મેડિકલ એસોસિએશન, સાથે સામાજીક જવાબદારીના ભાગરુપે અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક (એડીસી બેંક), ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક (જીએસસી બેંક) પણ જોડાઇ છે.