અધિર રંજને રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે કે માહિતી કમિશનરની પંસદગી વિશે ન તો કંઈ કહ્યું કે ન તો મારી સલાહ લેવામાં આવી

નવી દિલ્હી
દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે હીરાલાલ સામરિયા ને નિયુક્ત કરવામાં આવ્યા છે તેમણે ગઈકાલે કેન્દ્રિય માહિતી આયોગ (સીઆઈસી)ના વડા તરીકે શપથ લીધા હતા. જો કે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ ઉભો થયો છે અને કોંગ્રેસના સાંસદએ નારાજગી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આ નિમણૂકને લઈને મને અંધારામાં રાખવામાં આવ્યો હતો.
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમિયાન 63 વર્ષીય હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગના વડા તરીકે શપથ લેવડાવ્યા હતા. આ મહત્વપૂર્ણ પદ મેળવનારા હરીલાલ સામરિયા દલિત સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જો કે તેની નિમણૂકને લઈને હવે વિવાદ ઉભો થયો છે. માહિત કમિશનરની નિમણૂક કરનાર સમિતિના સભ્ય અને કોંગ્રેસના સાંસદ અધીર રંજને ચૌધરીએ આ નિમણૂકને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે કે માહિતી કમિશનરની પંસદગી વિશે ન તો કંઈ કહ્યું કે ન તો મારી સલાહ લેવામાં આવી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે નિમણૂકને લઈને મને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યો હતો.
અધીર રંજન ચૌધરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ ખૂબ જ દુઃખની વાત છે. હું ભારે હ્રદય સાથે લખી રહ્યો છું કે મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક મામલે તમામ લોકતાંત્રિક ધોરણો, નિયમો તેમજ પ્રક્રિયાને બાજુ પર રાખવામાં આવી હતી. આ સિવાય તેમણે કહ્યું કે સરકારે ન તો તેમની સલાહ લીધી અને ન તો પસંદગી અંગેની જાણ કરી. ઉલ્લેખનીય છે કે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ CIC અને માહિતી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનની અધ્યક્ષતામાં અને લોકસભામાં વિપક્ષના નેતાની બનેલી સમિતિની ભલામણ પર કરવામાં આવે છે. આ સમિતિમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે.