‘આજથી પહેલા હું શાકિબ અને બાંગ્લાદેશને ખૂબ માન આપતો હતો પરંતુ હવે હું આમ કરી શકીશ નહીઃ મેથ્યુઝ
નવી દિલ્હી
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કંઇક એવું જોવા મળ્યું હતું જે આજ સુધી ક્યારે બન્યું ન હતું. ક્રિકેટ ઈતિહાસના 143 વર્ષમાં પ્રથમ વખત કોઈ ખેલાડીને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ આપ્યા બાદ તે ગુસ્સામાં પવેલિયન પાછો જતો રહ્યો હતો. મેચ બાદ પ્રેસ કોન્ફ્રેંસમાં તે શાકિબ અલ હસન અને બાંગ્લાદેશની સમગ્ર ટીમ પર ખુબ ભડક્યો હતો. તેણે આ પ્રકારના કૃત્યને ખુબ જ શરમજનક ગણાવ્યું હતું.
એન્જેલો મૈથ્યુઝે કહ્યું હતું કે, ‘આજથી પહેલા હું શાકિબ અને બાંગ્લાદેશને ખૂબ માન આપતો હતો પરંતુ હવે હું આમ કરી શકીશ નહીં. હું સમય બગાડી રહ્યો ન હતો. બધા જોઈ શકે છે કે હું ક્રિઝ પર આવી ચુક્યો હતો પણ મારા હેલ્મેટનો સ્ટ્રેપ તૂટી ગયો. આ સામાનના ખરાબ હોવાનો મામલો હતો. શાકિબ અને બાંગ્લાદેશનું આ કૃત્ય શરમજનક હતું. આ રીતે ક્રિકેટ રમવું ખરેખર શરમજનક છે. મને નથી લાગતું કે બાંગ્લાદેશ સિવાય અન્ય કોઈ ટીમે આવું કર્યું હોત.’
મૈથ્યુઝે આગળ કહ્યું કે, ‘મેં શાકિબને અપીલ પાછી ખેંચી લેવા માટે પણ કહ્યું પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી. અમારી પાસે વીડિયો પ્રૂફ છે કે હું સમયસર ક્રિઝ પર આવ્યો હતો. મારી પાસે પાંચ સેકન્ડ બાકી હતી. જો આ પછી મારા હેલ્મેટમાં કોઈ સમસ્યા હોય તો હું શું કરી શકું? આ ખેલાડીઓની સુરક્ષાનો પ્રશ્ન છે. હું હેલ્મેટ વિના કેવી રીતે રમી શકું ભલે તે સ્પિનર કેમ ન હોય. જ્યારે વિકેટકીપર હેલ્મેટ પહેર્યા વિના સ્પિનરો સામે વિકેટની નજીક નથી રહેતો, તો હું કેવી રીતે બેટિંગ કરી શકું.’