આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
જાવા
ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી. આ ખેલાડીનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.
ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં શનિવારે એફસી બેનડુંગ અને એફબીઆઈ શુબેંગ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન આ વીજળી મેચ રમી રહેલા એક ખેલાડી પર પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મેચ ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહી હતી. આ દરમિયાન મેદાનની એક બાજુ ઉભેલા ખેલાડી પર અચાનક વીજળી પડી. વિડિયોમાં વીજળીના કડાકા દરમિયાન જોરદાર આગ નીકળતી જોઈ શકાય છે. જે ખેલાડી પર વીજળી પડી હતી તે તરત જ મેદાન પર ઢળી પડ્યો હતો. વીજળીનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં ઉભેલો અન્ય એક ખેલાડી પણ જમીન પર પડી ગયો. જો કે તે થોડા સમય પછી ઉભો થઇ ગયો હતો. બાકીના ખેલાડીઓ પોતાને બચાવવા માટે જમીન પર સૂઈ ગયા, જ્યારે કેટલાક બહાર દોડવા લાગ્યા હતા.
છેલ્લા 12 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઈન્ડોનેશિયાના ફૂટબોલર પર વીજળી પડી હોય. વર્ષ 2023માં સોરાટિન અંડર-13 કપ દરમિયાન પૂર્વ જાવાના બોજોનગોરોમાં એક ફૂટબોલર પર વીજળી પડી હતી. ત્યારે મેદાન પર હાજર અન્ય 6 ખેલાડીઓ પર પણ વીજળી પડી હતી. જો કે તે સમયે ડોક્ટરોએ તમામને બચાવી લીધા હતા.