આશુતોષ ટંડન હાલમાં લખનૌ પૂર્વી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા

લખનૌ
લખનૌમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આશુતોષ ટંડનનું નિધન થઈ ગયુ છે. આશુતોષ ટંડન લખનૌ પૂર્વી બેઠક પરથી ધારાસભ્ય હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આશુતોષ ટંડન કેન્સરની બીમારીથી પાડિત હતા. તેમના નિધનથી પાર્ટીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આશુતોષ ટંડન લખનૌના સાંસદ લાલજી ટંડનના પુત્ર હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમને આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આશુતોષ ટંડન હાલમાં લખનૌ પૂર્વી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા. આ પહેલા તેઓ યુપી સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
ટંડનના નિધન પર સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું કે, પૂર્વ મંત્રી અને લખનૌ(પૂર્વ)ના ધારાસભ્ય આશુતોષ ટંડન ‘ગોપાલજી’નું નિધન અત્યંત દુ:ખદ છે. એક લોકપ્રિય, મહેનતુ રાજકારણી તરીકે તેઓ હંમેશા યાદ રહેશે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
આશુતોષ ટંડનને લોકો ‘ગોપાલ જી’ ટંડન તરીકે પણ ઓળખતા હતા. લાલજી ટંડનના પુત્ર આશુતોષે લખનૌ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ 2013માં લખનૌ પૂર્વ બેઠક પરથી પેટાચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. આ પહેલા વર્ષ 2012માં થયેલી ચૂંટણીમાં તેઓ લખનૌ ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
યોગી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટંડન પાસે શહેરી વિકાસ, રોજગાર અને ગરીબી નિવારણ જેવા અનેક મોટા મંત્રાલયોની જવાબદારી હતી. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ત્રીજી વખત લખનૌથી ધારાસભ્ય બન્યા હતા.