કેનેડા સરકારે દિવાળી સમયે નવી ટપાલ ટિકિટ જાહેર કરી

Spread the love

આ ટપાલ ટીકીટ ક્રિસ્ટીન ડો દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે અને તેના પર ચિત્રકારી રેના ચેન દ્વારા કરવામાં આવી હતી

ટોરેન્ટો

ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા કેનેડા સરકારે ગુરુવારે દિવાળી સમયે નવી ટપાલ ટીકીટ જાહેર કરી હતી. કેનેડા સરકાર છેલ્લા પાંચ વર્ષથી દિવાળી સમયે ટપાલ ટીકીટ બહાર પાડે છે. 2017માં કેનેડામાં પહેલી વખત દિવાળી સમયે ટપાલ ટીકીટ જાહેર કરવામાં આવી હતી. કેનેડામાં દિવાળી ઉજવતા હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ  સમુદાયના લોકોવધુ પ્રમાણમાં રહે છે. આ ટપાલ ટીકીટ ક્રિસ્ટીન ડો દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે અને તેના પર ચિત્રકારી રેના ચેન દ્વારા કરવામાં આવી હતી. આ ટીકીટ કેનેડાના ટપાલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સ્ટેમ્પમાં પીળા અને કેસરી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગલગોટાના  ફૂલો અને કેરીના લીલા પાંદડા પણ દર્શાવવામાં આવ્યા છે.

કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્ટેમ્પ પર દીવા દર્શાવવામાં આવ્યા છે. આ ટપાલ ટિકિટ એક વિશેષ બુકલેટમાં જાહેર કરવામાં આવી છે, જેની કિંમત 5.52 કેનેડિયન ડોલર એટલે કે 340 રૂપિયા રાખવામાં આવી છે. આ પહેલા રવિવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ઓટાવાના પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણીમાં દેશના ભારતીય સમુદાય સાથે જોડાયા હતા. આ સાથે કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે અને કેનેડામાં ભારતના રાજદૂત સંજય કુમાર વર્મા વગેરેએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કારણે કેનેડા અને ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને ભારતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં, ભારત સાથેના સંબંધોમાં ખટાશ હોવા છતાં, કેનેડાની સરકારે આ પહેલ ચાલુ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *