આ ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે
નવી દિલ્હી
ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા 10થી ફસાયેલા છે. અકસ્માતના 9 દિવસ બાદ એટલે કે ગઈકાલે સાંજે 6 ઈંચની નવી પાઈપલાઈન દ્વારા સુરંગની અંદર ફસાયેલા કામદારો માટે ખીચડી, દાળ અને કેટલાક ફળો મોકલવામાં આવ્યા હતા. એવામાં આજે આ ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો છે.
ટનલમાં ફસાયેલા શ્રમિકોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવશે. સ્થાનિક દિલ્હીની મિકેનિકલ ટીમે અમેરિકન ઓગર મશીનના બગડેલા કેટલાક પાર્ટસને બદલી અને મશીનને ફરીથી કાર્યરત કરવાની તૈયારી કરવામાં આવી છે. એન્ડોસ્કોપિક કેમેરા દ્વારા આ કામદારોની તાગ મેળવામાં આવી.
સીએમ ધામીએ ટ્વીટ કરી સુરંગમાં કેમેરા મોકલવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલમાં ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર મળી છે. તમામ શ્રમિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેમને જલ્દી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.