હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં ચાલતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા

નવી દિલ્હી
યમનના હૂતી વિદ્રોહીઓએ રેડ સીમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખાઈ રહ્યું છે કે, જહાજની ઉપર એક હેલિકોપ્ટર આવી જાય છે અને થોડી જ ક્ષણોમાં, બંદૂકો લઈને આવેલા હૂતી વિદ્રોહીઓ નીચે ઉતરીને પોઝીશન લઈ લે છે. આ લોકો જહાજના એન્ટ્રી ગેટ પર પહોંચે છે અને ફાયરિંગ શરૂ કરે છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા તે ડ્રાઈવરને બંધક બનાવે છે. ત્યારબાદ તેઓ જહાજને આગળ લઈ જાય છે. કેટલીક બોટ પણ નજીકમાં જતી જોવા મળે છે. વિદ્રોહી સંગઠન હુતીને ઈરાનનું સમર્થન છે. આ સમગ્ર ઘટના રવિવારે બની જેમાં હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં ચાલતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા. તેઓએ 25 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા અને આખા જહાજને હાઈજૈક કરી લીધું. તેની સાથે તેઓ યમનના એક બંદરે પહોંચ્યા. હૂતીએ એક નિવેદન જારી કરીને આ જહાજના અપહરણની જવાબદારી લીધી છે.
હૂતીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ-સલામએ રવિવારે ટ્વીટ કરી જણાવ્યું કે, હાઇજેકિંગ તો ‘માત્ર શરૂઆત’ છે અને જ્યાં સુધી ઇઝરાયલ ગાઝા અભિયાનને અટકાવશે નહીં ત્યાં સુધી વધુ દરિયાઇ હુમલા શરુ રહેશે.
જેના જવાબમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના કાર્યાલય તરફથી એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય જહાજ પર ઇરાની હુમલાની સખત નિંદા કરે છે. અન્ય એક પોસ્ટ કરતા લખ્યું કે, આ ઈરાની આતંકવાદનું વધુ એક કારસતાન છે અને સમગ્ર વિશ્વ માટે સૌથી ગંભીર ઘટના ગણાવવામાં આવી. જો કે બીજી તરફ ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા છે.
યમનના હૂતી વિદ્રોહિઓએ રવિવારે ઈઝરાયેલી જહાજ અંગે ધમકી આપી હતી. રિપોર્ટ મુજબ હૂતી વિદ્રોહિઓએ ઈઝરાયેલી કંપનીની માલિકીની તેમજ તેમના દ્વારા ચલાવાલા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી. ઉપરાંત હૂતી વિદ્રોહિઓએ ધમકી આપતા કહ્યું હતું કે, જે જહાજ પર ઈઝરાયેલનો ઝંડો હશે, તેને આગ ચાંપી દેવાશે. હૂતી વિદ્રોહિઓના પ્રવક્તાએ તમામ દેશોને આવા જહાજો કામ કરતા લોકોને પોતાની પાસે બોલાવવા કહ્યું હતું.