વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, જો કોઈએ વેક્સિનનો એક ડોઝ લીધો છે તો કોરોનાને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે
નવી દિલ્હી
કોવિડ-19 મહામારી બાદ સરકારે લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું. દેશમાં લોકોને વેક્સિનના 2 અરબથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર દેશમાં યુવાઓમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ક્યાંક આની પાછળનું કારણ વેક્સિન તો નથી ને. જોકે, હવે આઈસીએમઆરએ તેનો જવાબ આપ્યો છે.
આઈસીએમઆરએ તાજેતરમાં એક સ્ટડી કરી છે. તેમાં આ સવાલનો જવાબ શોધવામાં આવ્યો કે, શું કોવિડ વેક્સિન અને અચાનક થઈ રહેલા મોત વચ્ચે કોઈ સબંધ છે? પોતાની સ્ટડી દ્વારા આઈસીએમઆરએ જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19 વેક્સિનના કારણે યુવાઓમાં અચનક મૃત્યુનું જોખમ નથી વધ્યું. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં અચાનક મોત થવાના જૂના કેસ અને લાઈફસ્ટાઈલમાં થયેલા ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી દીધી છે.
આઈસીએમઆર સ્ટડીમાં જણાવ્યું છે કે, વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈએ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તો કોરોનાવાયરસને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.
સ્ટડીમાં જણાવ્યું કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, અચાનક મૃત્યુનો પારિવારિક ઈતિહાસ, મૃત્યુ પહેલા 48 કલાક સુધી દારૂ પીવો, ડ્રગ્સનું સેવન કરવું અથવા મૃત્યુના 48 કલાક પહેલા જબરદસ્ત એક્સરસાઈઝ કરવી. આમ આવા કેટલાક ફેક્ટર્સ છે જેના કારણે અચાનક મોતનું જોખમ વધી ગયુ છે.
આઈસીએમઆર દ્વારા આ સ્ટડી 1 ઓક્ટોબર 2021 થી લઈને 31 માર્ચ 2023 સુધી કરવામાં આવી હતી. તેમાં દેશભરની 47 હોસ્પિટલોને સામેલ કરવામાં આવી હતી. સ્ટડી માટે 18 થી 45 વર્ષની ઉંમરના એ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેઓ સ્પષ્ટરૂપે એકદમ સ્વસ્થ હતા. તેમાંથી કોઈ પણ કોઈ જૂની બીમારીનો સામનો નહોતું કરી રહ્યું. સ્ટડીમાં જાણવા મળ્યું કે વેક્સિનના બે ડોઝ લેનારા લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.