આ ડાન્સ પાર્ટી પછી બધાને દારૂ પીરસવામાં આવ્યો હતો અને માંસ પણ પીરસાતાં ભારત અને પાકિસ્તાનના શિખોનો ભારે વિરોધ
ચંદીગઢ
શિખોના પવિત્ર ગુરૂદ્વારા પૈકીનાં એક ગુરૂદ્વારા કરતારપુર સાહિબ વિભાજન પછી પાકિસ્તાનમાં ગયું છે. તેના પટાંગણમાં એક ડાન્સ પાર્ટી યોજવાની અનુમતિ પાક. સરકારે આપી હતી. આ ડાન્સ પાર્ટી પછી સર્વેને દારૂ પીરસવામાં આવ્યો હતો અને માંસ પણ પીરસાયું હતું. આ સામે પાકિસ્તાન સ્થિત શિખોએ જ નહીં પરંતુ ભારત સ્થિત શિખોએ પણ સખત વિરોધ દર્શાવ્યો છે. અમૃતસરનાં સુવર્ણમંદિર સ્થિત શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી (એસ.જી.પી.સી.)એ પણ આ શરમજનક ઘટના અંગે વિરોધ નોધાવ્યો છે.
ભાજપના નેતા મનજિન્દર સિંઘ સિરસાએ કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરના સી.ઈ.ઓ. તરીકે શિખ નહીં તેવી વ્યક્તિની નિયુક્તિ અંગે અમે ૨૦૨૧માં જ વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે તેને શિખ મર્યાદા વિષે કોઈ માહિતી હોઈ જ ન શકે. અમોને તે સમયે જ ભીંતિ હતી કે, તે અધિકારી કોઈ ધર્મ વિમુખ કાર્યવાહી કરી બેસશે જ. અમારી તે ભીંતિ ત્યારે સાચી પડી કે જ્યારે તે મંદિર સંકુલમાં નાચ-ગાનની પરવાનગી આપવામાં આવી અને તે પછી ત્યાં માંસાહાર અને દારૂની મહેફીલ જામી. તેટલું જ નહીં પરંતુ તે સી.ઈ.ઓ. પોતે જ ત્યાં માંસાહાર કરતા અને દારૂ પીતા એક વીડીયોમાં જોવા મળ્યા. આથી અમે તુર્ત જ તેને તે પદ ઉપરથી દૂર કરવા અને તેની જગ્યાએ કોઇ શિખને નિયુક્ત કરવાની માંગણી કરી છે. પાકિસ્તાન સરકારે તે કોરિડોર અને તે ગુરૂદ્વારાનો વહીવટ એક શિખ-જૂથને સોંપી દેવો જોઇએ, કે જે શિખ-પરંપરા અને શિખ સિદ્ધાંતોને બરોબર સમજી શકે અને અનુસરી પણ શકે.
આ ઉપરાંત દિલ્હી શિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમીટીના મહામંત્રી જગદીપસિંહ કહલોએ પણ જણાવ્યું હતું કે, તે ગુરૂદ્વારાનાં પટાંગણમાં ડાન્સ પાર્ટી યોજવામાં આવી હતી અને તેમાં દારૂ તથા માંસ પીરસાયાં હતા.