ઈઝરાયલી સૈન્ય અને એજન્સીઓને એવો અંદાજ જ નહોતો કે ખરેખર હમાસ આવા ભીષણ હુમલાને અંજામ આપી શકે છે
જેરૂસલેમ
યુદ્ધ ફરી શરૂ થવાની વચ્ચે એક મોટો ખુલાસો એ થયો છે કે ઈઝરાયલને 7 ઓક્ટોબરે હમાસ દ્વારા થનારા હુમલા વિશે પહેલાથી જ ઈનપુટ મળી ગયા હતા. હવે સવાલ એ છે કે જો ઈઝરાયલને ખબર હતી કે હુમલો થશે તો તેણે કોઈ કાર્યવાહી કેમ ન કરી? ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર યહૂદી દેશનું એવું માનવું હતું કે હમાસમાં એટલી ક્ષમતા જ નથી કે તે આ પ્રકારનો હુમલો કરી શકે.
હમાસના હુમલાના આશરે એક વર્ષ પહેલાં જ આ મામલે ઈઝરાયલી અધિકારીઓને જાણકારી મળી ગઈ હતી. તેમની સાથે ડોક્યુમેન્ટ પણ શેર કરાયા હતા પણ ઈઝરાયલી સૈન્ય અને એજન્સીઓને એવો અંદાજ જ નહોતો કે ખરેખર હમાસ આવા ભીષણ હુમલાને અંજામ આપી શકે છે.
ઈઝરાયલી સૈન્યને જે દસ્તાવેજ મળ્યા હતા તેમાં હુમલાની તારીખનો ઉલ્લેખ નહોતો પણ એવું જરૂર જણાવાયું હતું કે હમાસ સરહદ પાર કરીને હુમલા કરી શકે છે. પણ હમાસે સૌને ચોંકાવી દીધા અને ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે આશરે 75 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 1400થી વધુ લોકો તો ગાઝામાં આશરે 15000 જેટલાં લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. હમાસ સંગઠને આ દરમિયાન જ ઈઝરાયલના લોકોને બંધક બનાવી લીધા હતા અને હવે તેમને મુક્ત કરવાની સાથે ઈઝરાયલની કેદમાંથી પેલેસ્ટિની કેદીઓને બદલામાં મુક્ત કરાવી રહ્યું છે.