જાનથી મારવાની ધમકી આપનારા ટ્વીટર હેન્ડલ પર કાર્યવાહી કરો એવી માગણી
મુંભઈ
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને ટ્વીટરના માધ્યમથી જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. આ મુદ્દે રાષ્ટ્રીવાદીનું પ્રતિનિધી મંડળ મુંબઇ પોલીસ કમીશનરને મળવા ગયું છે. સાંસદ સુપ્રિયા સૂળેના નેતૃત્વમાં આ પ્રતિનિધી મંડળના સભ્યો પોલીસ કમિશનરને મળવા ગયા છે.
જાનથી મારવાની ધમકી આપનારા ટ્વીટર હેન્ડલ પર કાર્યવાહી કરો એવી માંગણી સાથે આ લોકો પોલીસ કમિશનરને મળવા ગયાં છે. શરદ પવારને આપવામાં આવેલ ધમકીની તપાસ થવી જોઇએ. મહારાષ્ટ્રમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. હું દેશના ગૃહપ્રધાન પાસે ન્યાય માંગુ છું. ભવિષ્યમાં જો કંઇ ખરાબ થશે તો તેના માટે દેશના અને રાજ્યના ગૃહ પ્રધાન જવાબદાર હશે. એમ સુપ્રિયા સૂળેએ કહ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે બને તેટલાં જલદી આ ફરિયાદની દખલ લઇ કડક પગલાં લેવા જોઇએ એવી માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના રાજકારણમાં તણાવ ઊભો થયો છે. તેમાં પણ ઔરંગાબાદના ફોટો સ્ટેટસ પર અને પોસ્ટર્સ પર લગાવતા મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો છે. અહીં પોલીસ દ્વારા કાર્યવાહી કરી કેટલાંક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
જોકે આ બધાનો પડઘો રાજકીય વર્તુળો પર જોવા મળી રહ્યો છે. અલગ અલગ પક્ષના નેતાઓએ આ સંદર્ભે વિવિધ માધ્યમોથી પોતાની પ્રતિક્રિયા આપી છે. શરદ પવારને મળેલી ધમકી આ જ તણાવભર્યા વાતાવરણનું પરિણામ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ધમકી આપનારા ટ્વીટર હેન્ડલ પર શરદ પવારને ગાળો આપી આગળ લખવામાં આવ્યું છે કે તમારો પણ દાભોળકર થશે… ત્યારે હવે રાજકીય વર્તુળોમાં આ સંદર્ભે તર્ક-વિતર્ક શરુ થઇ ગયા છે.