દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથીઃ ગડકરી

Spread the love

30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે, આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા


નવી દિલ્હી
ઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને ફગાવી દેતાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ ચોખવટ કરી દીધી છે. હાં, નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી.
જોકે નિતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે દિલ્હી-એનસીઆરમાં સુપ્રીમકોર્ટે 10 વર્ષ કે તેનાથી વધુ જૂના થઈ ચૂકેલા ડીઝલ વાહનો અને 15 વર્ષ કે તેનાથી જૂના પેટ્રોલ વાહનો પર રોક લગાવી દીધી છે. ગડકરીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે 2015માં એનજીટીએ 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. 2018માં સુપ્રીમ કોર્ટે એનજીટીના આ આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. દિલ્હીમાં વધતા જતાં પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે આ વાહનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આવા વાહનોની યાદી વેબસાઈટ પર મુકવા પણ કહ્યું હતું.
જૂના વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર સ્ક્રેપિંગ પોલિસી લાવી હતી. સ્ક્રેપિંગ પોલિસી હેઠળ સરકાર વાહનોને બદલવા માટે ઈન્સેન્ટિવ આપે છે જેથી લોકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ તરીકે વેચવા માટે તૈયાર થાય. જો કે સરકારની આ નીતિ પણ વધારે સફળ ન થઈ. અન્ય એક પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે 30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે. આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *