શુભાએ તેની ડેબ્યૂ મેચમાં માત્ર 49 બોલમાં ફિફ્ટી ફટકારી, સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં 51 બોલમાં ફિફ્ટી ફટકારી હતી
મુંબઈ
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈના ડી.વાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ભારત તરફથી ત્રણ મહિલા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યો છે, જેમાં કર્ણાટકની 24 વર્ષીય શુભા સતીશ પણ સામેલ છે. શુભાને ત્રીજા નંબર પર બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. આ મોકાનો લાભ ઉઠાવતા શુભાએ શાનદાર ફિફ્ટી ફટકારી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ બહાર કાઢી હતી. આ સાથે જ તેણે સ્મૃતિ મંધાનાનો ફાસ્ટેસ્ટ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
શુભાએ તેની ડેબ્યૂ મેચમાં માત્ર 49 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે ટેસ્ટ ફોર્મેટમાં કોઈપણ ભારતીય મહિલા ખેલાડી દ્વારા બીજી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી હતી. શુભા પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં 51 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. શુભા તેની પહેલી મેચમાં જ સ્મૃતિથી આગળ નીકળી ગઈ છે. આ લીસ્ટમાં ભારતની પૂર્વ ક્રિકેટર સંગીતા દાબિર ટોપ પર છે. સંગીતાએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં માત્ર 40 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
શુભાએ આજે ઇંગ્લેન્ડ સામે 76 બોલમાં 69 રન બનાવ્યા અને આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 90.79ની હતી. શુભાએ તેની ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય ડેબ્યૂ કરનાર ખેલાડીઓમાં જેમિમા રોડ્રિગ્સ પણ છે. જેમિમાને નંબર-4 પર બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. તેણે પણ પોતાના ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 99 બોલમાં 68 રન બનાવ્યા હતા. ભારતની 2 વિકેટ 47 રનમાં પડી ગયા બાદ જેમિમા અને શુભાએ મળીને 100 રનની ભાગીદારી કરી અને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.