8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં પંચિગ બેગ પર 1105 પંચ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સોનીપત
માર્ટિન મલિક નામના આ બાળકની ઉંમર 10 વર્ષ પણ નથી અને તેણે પોતાની ઉંમરના આંકડા જેટલા વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરી લીધા છે.
સોનીપતના સેક્ટર 23માં રહેતા માર્ટિનની ઉંમર 8 વર્ષ છે. માર્ટિને પોતાની ઉંમર જેટલા એટલે કે 8 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. માર્ટિનના આ હુનરને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે મોટા વ્યક્તિ ન કરી શકે તે 8 વર્ષના બાળકે કરી બતાવ્યુ છે. માર્ટિને વિશ્વ સ્તરે રેકોર્ડ બનાવીને સમગ્ર દેશનું નામ રોશન કર્યુ છે. માર્ટિન અત્યાર સુધી 8 વર્લ્ડ રેકોર્ડ અને 3 એશિયા રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.
લોકડાઉન અમુક લોકો માટે વરદાન જેવુ રહ્યુ. લોકડાઉનમાં ઘણા લોકોએ પોતાનુ કરિયર બનાવ્યુ છે. લોકડાઉનના સમયમાં કંઈ જ કરવા માટે નહોતુ, ત્યારે આ ખાલી સમયનો માર્ટિને ફાયદો ઉઠાવ્યો. તે ઘરે પોતાના પિતાની મદદથી કિક બોક્સિંગ શીખ્યો. તેણે ખૂબ પ્રેક્ટિસ કરી અને હવે પરિણામ સૌ ની સામે છે. માર્ટિનને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ લંડનના પાર્લામેન્ટમાં સન્માનિત પણ કરવામાં આવ્યો હતો.
માર્ટિન પહેલા પંચિંગ બેડ પર 3 મિનિટમાં 918 પંચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ રશિયાના 28 વર્ષીય પાવેલના નામે હતો પરંતુ કુલ 8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં 1105 પંચ મારી આ રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે.