બિશન સિંહ બેદીએ ડાબા હાથના સ્પિનર તરીકે ભારત માટે ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી, હેરાથ 433 વિકેટ સાથે ટોચના ક્રમે

સિડની
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. જાડેજાએ 2 વિકેટ લેતા જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ભારતીય સ્પિનર બની ગયો છે. આ સાથે જાડેજાએ બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડ્યો હતો. બેદીજીએ ડાબા હાથના સ્પિનર તરીકે ભારત માટે ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી. હવે જાડેજાએ 267 વિકેટ મેળવી લીધી છે. ટેસ્ટમાં ડાબોડી સ્પિનર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના રંગના હેરાથના નામે છે. હેરાથે ટેસ્ટમાં 433 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટોરીએ ટેસ્ટમાં 362 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. આ સિવાય ઈંગ્લેંડના બોલર ડેરેક અંડરવુડે ટેસ્ટમાં 297 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ જાડેજાનો નંબર આવે છે. જાડેજાએ અત્યાર સુધી 65 ટેસ્ટ મેચમાં 267 વિકેટ ઝડપી છે.
પ્રથમ ઇનિંગમાં 469 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાએ ભારતની પ્રથમ ઇનિંગ 296 રનમાં સમેટીને 173 રનની લીડ મેળવી હતી અને દિવસની રમતના અંતે તેને 296 રનની લીડ મેળવી હતી. ભારતે મેચમાં ટકી રહેવા ઓસ્ટ્રેલિયાની બાકીની 6 વિકેટ ઝડપવી પડશે અને પછી બેટ્સમેનો પાસેથી અસરકારક પ્રદર્શનની અપેક્ષા રાખવી પડશે.
ત્રીજા દિવસની રમતના અંતે માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવીને ક્રીઝ પર હાજર હતા. ભારત તરફથી અત્યાર સુધીમાં જાડેજાએ 2 વિકેટ લીધી છે જ્યારે સિરાજ અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી છે.