ગાઝામાં હવે છેલ્લી હોસ્પિટલ પણ બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે, ત્યાં હોસ્પિટલના સ્ટાફ, દવા, ઇંધણની ભારે અછત વર્તાઈ રહી છે

વોશિંગ્ટન
યુદ્ધવિરામ માટે ચાલી રહેલી મંત્રણા વચ્ચે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ હજુ યથાવત્ છે. ગુરુવારે પણ ઈઝરાયલી વિમાનોએ ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેમાં ડઝનેક લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. હમાસે પણ તેલ અવીવ અને ઈઝરાયલી શહેરોમાં 30 રોકેટ ઝિંકી તેની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
અમેરિકાએ આ મામલે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામની મંત્રણા ગંભીર તબક્કામાં પહોંચી ગઈ છે. હમાસે આશરે 130 બંધકોને મુક્ત કરવા માટે ગાઝા વિરુદ્ધ ઈઝરાયલના યુદ્ધનો સંપૂર્ણપણે અંત લાવવાની શરત રજૂ કરી છે. ઈઝરાયલી બોમ્બમારામાં ગત રાતે ભયંકર આગની જ્વાળાઓ ઊઠી હતી. જબાલિયાં ક્ષેત્રમાં પણ આખી રાત ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.
ડબ્લ્યૂએચઓએ કહ્યું છે કે ઉત્તર ગાઝામાં હવે છેલ્લી હોસ્પિટલ પણ બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે. ત્યાં હોસ્પિટલના સ્ટાફ, દવા, ઇંધણની ભારે અછત વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગાઝામાં અત્યાર સુધીના યુદ્ધમાં 54000થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે મૃતકાંક પણ 20000ને વટાવી ગયો છે. જોકે ગાઝામાં મૃત્યુ પામનારા ઈઝરાયલી સૈનિકોની સંખ્યા પણ 137 પર પહોંચી ગઈ છે.