પુતિને સંદેશો મોકલીને કહેવડાવ્યું છે કે, રશિયા દ્વારા કબ્જો કરવામાં આવેલા વિસ્તારથી તેમને સંતોષ છે અને હાલની સ્થિતિમાં તેઓ સીઝ ફાયર માટે તૈયાર છે
મોસ્કો
યુક્રેન સાથે યુધ્ધ રોકવાનો ઈનકાર કરી ચુકેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને હવે યુક્રેન સાથે યુધ્ધ વિરામ કરવા માટે પાછલા બારણે હિલચાલ શરુ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
અમેરિકાના એક અખબારના અહેવાલ અનુસાર રશિયાના બે પૂર્વ અધિકારીઓને પુતિનના પ્રતિનિધિઓએ સંદેશો મોકલીને યુધ્ધ વિરામની ઈચ્છા વ્યક્ત કરી છે. પુતિને તો એક વર્ષ પહેલા 2022માં પણ યુધ્ધ વિરામ કરવા માટેનો મેસેજ મોકલ્યો હતો અને ફરી પુતિને સંદેશો મોકલીને કહેવડાવ્યુ છે કે, રશિયા દ્વારા કબ્જો કરવામાં આવેલા વિસ્તારથી તેમને સંતોષ છે અને હાલની સ્થિતિમાં તેઓ સીઝ ફાયર માટે તૈયાર છે.
જોકે યુધ્ધ વિરામ થાય તો રશિયાએ જે વિસ્તારો પર કબ્જો જમાવ્યો છે તે યુક્રેનને પાછા મળશે કે નહીં તે બાબતનો કોઈ ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવ્યો નથી. સાથે સાથે એવુ પણ કહેવાયુ છે કે, યુધ્ધ વિરામ અંગે યુક્રેન દ્વારા બહુ જલ્દી કોઈ ઉત્તર આપવામાં નહીં આવે તો પુતિન પોતાનુ મન બદલી પણ શકે છે.
બીજી તરફ અત્યાર સુધી યુક્રેનને અબજો ડોલરની મદદ કરનારા અમેરિકામાં પણ યુધ્ધ વિરામ થવો જોઈએ તેવા સૂર ઉઠી રહ્યા છે અને અમેરિકા દ્વારા અપાઈ રહેલી નાણાકીય સવાલો પર પણ સવાલો ઉઠવા માંડ્યા છે.
યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ જો ચાલુ રહી તો આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના બે વર્ષ પૂરા થશે. હાલમાં તો બંને દેશોએ આ જંગમાં ભારે ખુવારી ભોગવી રહ્યા છે અને જંગ ચાલુ રહેશે તેવો જાહેરમાં દાવો કરી રહયા છે.