રોહિત શર્મા અને વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપ 2023 પછી આ ટેસ્ટ સિરીઝથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે
ડરબન
સાઉથ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ ખુબ મહેનત કરી રહી છે. બીસીસીઆઈએ ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનના કેટલાંક વીડિયો શેર કર્યા છે, જેમાં ભારતીય ખેલાડીઓ આ સિરીઝ માટે તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપ 2023 પછી આ ટેસ્ટ સિરીઝથી ક્રિકેટના મેદાન પર વાપસી કરી રહ્યા છે. એક મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ આ બંને ખેલાડીઓએ સેન્ચુરિયનમાં બેટિંગ સેશન દરમિયાન ખુબ પ્રેક્ટિસ કરી હતી. અહીં શ્રેયસ અય્યરથી લઈને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પણ બેટિંગ દરમિયાન પરસેવો વહાવ્યો હતો.
ફિલ્ડીંગ સેશનના વીડિયોમાં ભારતીય ખેલાડીઓ સ્લિપથી લઈને બાઉન્ડ્રી સુધી મેદાનના દરેક ખૂણે કેચ પકડવાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓને મુશ્કેલ કેચનો અભ્યાસ કરાવવાની સાથે આસાન કેચની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. વીડિયોમાં ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓને કેચ પ્રેક્ટિસ કરાવતા દેખાયા હતા.
ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં કુલ 8 ટેસ્ટ સિરીઝ રમી છે, જેમાંથી એક સિરીઝ ડ્રો રહી હતી અને બાકીની 7 સિરીઝમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ માટે ટેસ્ટ સિરીઝ જીતવી હંમેશા મુશ્કેલ રહી છે.