હરમિત દેસાઈ એ પંચકુલામાં બીજું નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું

Spread the love

ગાંધીધામ

શુક્રવારે પંચકુલાના તાઉ દેવી લાલ ઈન્ડોર સ્ટેડિયમમાં 85મી યુટીટી સિનિયર નેશનલ અને ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ અને ભારતના નંબર-2 પેડલર હરમિત દેસાઈ એ પોતાની પર નિયંત્રણ જાળવી રાખી ટાઈટલ હોલ્ડર તથા ત્રીજી સીડ જી.સાથિયાનને 4-3 (10-12, 12-10, 14-16, 11-9, 11-9, 9-11, 11-8)થી હરાવ્યો અને પોતાનું બીજું પુરુષ સિંગલ્સ ટાઈટલ જીત્યું.

વડોદરાના માનુશ શાહે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો, તેને હરમિત દેસાઈ એ જ સેમિફાઈનલમાં હરાવ્યો હતો.

બીજી સીડ હરમિતે ઓપનિંગ ગેમમાં તામિલનાડુના પેડલરને લીડ આપી હતી પરંતુ તેણે હાર નહોતી માની. ચોથી ગેમમાં હરમિત 4-9થી પાછળ ચાલી રહ્યો હતો ત્યારે તેણે સતત 11 પોઈન્ટ જીત્યા અને ચોથી ગેમ જીતી મેચ બરાબરીએ પહોંચાડી હતી. આ ગેમ તેના હરીફ ખેલાડી એવા સાથિયાન વિરુદ્ધ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.
મેચ બંને તરફ સમાન રીતે આગળ વધી રહી હતી. જોકે, સુરતી ખેલાડીએ હરીફ સાથિયાન કરતા સ્થિતિ પર વધુ નિયંત્રણ રાખી અંતિમ તથા સાતમી ગેમ જીતી હતી. આ સાથે જ હરમિત નવો નેશનલ ચેમ્પિયન બન્યો.

30 વર્ષીય હરમિતે પ્રથમ નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ 2019માં જમ્મુમાં પોતાના જ શહેરનાં માનવ ઠક્કરને હરાવી જીત્યો હતો.

2019માં અર્જુન એવોર્ડ જીતનાર હરમિતે ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે,”મારા ખાસ મિત્ર અને મજબૂત હરીફ એવા સાથિયાનને 7 ગેમની મેચમાં માત આપવાનો આનંદ છે. કારણ કે, મેચ જેટલી લાંબી ચાલે છે તેટલું સાથિયાન વધુ સારું રમવા લાગે છે. 4-9થી પાછળ રહ્યાં બાદ કમબેક કરવું મારી માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો. કારણ કે- મે વધુ જોખમ ઉઠાવવાનું શરૂ કરી સાથિયાન પર દબાણ વધાર્યું હતું.”

હરમિતે આગળ કહ્યું કે,”2023માં 2 ઝોનલ ટાઈટલ જીતવા અને 1 નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીતવું એ મારા માટે આનંદની વાત છે. જોકે, હું ગુજરાતનાં પ્રદર્શનથી ખુશ છું. ગુજરાતના માનવ અને માનુષ શાહ પણ રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યાં છે. 2023માં 7 માંથી 6 નેશનલ ટાઈટલ ગુજરાતી ખેલાડીઓએ જીત્યા છે. જે આપણાં રાજ્યમાં બદલાયેલી સ્થિતિ દર્શાવે છે.”

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)નાં પ્રમુખ, શ્રી પ્રમોદ ચૌધરીએ કહ્યું કે- હરમિત અને માનુષનું પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં જીતવું એ જીએસટીટીએ માટે ગર્વની વાત છે.

શ્રી પ્રમોદ ચૌધરીએ કહ્યું કે,”જીએસટીટીએ ને અમારા સ્ટાર ખેલાડીઓ હરમિત, માનુષ અને માનવ પર ગર્વ છે. અમે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનીએ છીએ કે તેમણે અમને સમર્થન આપ્યું તથા સુરત ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત- તાપ્તી વેલી હાઈ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર (એચપીટીટીસી) ની રચનામાં મદદ કરી. જ્યાં હરમિત અને અન્ય ટોચનાં 25 ખેલાડીઓ છેલ્લાં ઘણાં મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યાં છે.”

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનનાં સેક્રેટરી કુશલ સંગતાનીએ હરમિત દેસાઈની છેલ્લાં અમુક સમયગાળાની સફળતા પાછળ ફ્રેન્ચ કોચ જુલિયન ગિરાર્ડ અને હરમિત વચ્ચેના તાલમેલને મુખ્ય કારણ ગણાવ્યું હતું.

કુશલ સંગતાનીએ કહ્યું કે,”હું ભાગ્યશાળી છું કે મે હરમિતને રાયપુરમાં પ્રથમ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ, કોમનવેલ્થ ચેમ્પિયનશિપ ટાઈટલ (કટકમાં) 2019 અને આ વર્ષે નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીતતા જોયો.”

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *