દેશની જીડીપી 2023-24માં રૂ. 171.79 લાખ કરોડ રહી શકે છે, જે 2022-23માં રૂ. 160.66 લાખ કરોડ રૂપિયા હતી

નવી દિલ્હી
સરકારે જીડીપી બાબતે આગોતરા અંદાજ જાહેર કર્યા છે. જેમાં અનુમાન લગાવ્યા છે કે દેશ અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ કરતો રહેશે જ. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (સીએસઓ) એ શુક્રવારે વાર્ષિક જીડીપી વૃદ્ધિનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કર્યો હતો. આ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં દેશની અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે વૃદ્ધિ કરશે. જીડીપીનો એડવાન્સ અંદાજ ડેટા જાહેર કરતા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું કે દેશની જીડીપી 2023-24માં રૂ. 171.79 લાખ કરોડ રહી શકે છે, જે 2022-23માં રૂ. 160.66 લાખ કરોડ રૂ હતી. આનો અર્થ એ થયો કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં 7.3 ટકાનો વૃદ્ધિ દર જોવા મળશે, જે 2022-23માં 7.2 ટકા જોવા મળ્યો હતો.
નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપીનો પ્રોવિઝનલ અંદાજ 31 મે, 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષમાં તે 7.2 ટકા હતો. નાણાકીય વર્ષ 2023-24માં વર્તમાન કિંમતો પર જીડીપી રૂ. 296.58 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે 31 મે, 2023ના રોજ જાહેર કરાયેલા વર્ષ 2022-23 માટેના કામચલાઉ અંદાજ મુજબ, જીડીપી રૂ. 272.41 લાખ કરોડ હતી.
તાજેતરની નાણાકીય નીતિ સમીક્ષામાં, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યો હતો. હવે સરકારે દેશના જીડીપી ગ્રોથનો અંદાજ રિઝર્વ બેંક કરતા વધારે મુક્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ આગોતરો અંદાજ બહાર પાડતા, એનએસઓએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં, 2011-12ના સ્થિર ભાવે વાસ્તવિક જીડીપી રૂ. 171.79 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે.