તેણે આ મામલે આયરલેન્ડના માર્ક એડેયરને પાછળ છોડી દીધો છે, માર્કે 50 વાઈડ બોલ ફેંક્યા હતા

ઈન્દોર
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે વર્ષ 2022માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એક સારો બોલર સાબિત થયો છે, પરંતુ તેણે કેટલાક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યા છે જેને કોઈ બોલર બનાવવા માંગતો નથી. હવે અર્શદીપે સૌથી વધુ વાઈડ બોલ નાખવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી ટી20આઈ મેચ દરમિયાન અનિચ્છનીય વાઈડ બોલનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
અર્શદીપ સિંહ વર્ષ 2022થી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વાઈડ બોલ ફેંકનાર બોલર બની ગયો છે. તેણે વાઈડ બોલ નાખવાના મામલે ફિફ્ટી પાર કરી દીધી છે. તેણે આ મામલે આયરલેન્ડના માર્ક એડેયરને પાછળ છોડી દીધો છે. માર્કે 50 વાઈડ બોલ ફેંક્યા હતા, જયારે અર્શદીપ તેનાથી આગળ નીકળી ગયો છે. અર્શદીપે 51 વાઈડ બોલ ફેંક્યા છે. આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝનો જેસન હોલ્ડર ત્રીજા સ્થાને છે. તેણે 39 વાઈડ બોલ ફેંક્યા છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમનો અન્ય એક ખેલાડી રોમારિયો શેફર્ડ આ યાદીમાં 34 વાઈડ બોલ સાથે ચોથા સ્થાને છે. પાંચમાં નંબરે ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ છે. તેણે 29 વાઈડ બોલ ફેંક્યા છે.
અફઘાનિસ્તાન સામે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી20આઈ મેચમાં ભલે 2022 પછી સૌથી વધુ વાઈડ બોલ ફેંકવાનો રેકોર્ડ અર્શદીપના નામે છે, પરંતુ તેણે 3 વિકેટ પણ લીધી હતી. હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત અને નૂર અહેમદને પોતાનો શિકાર બનાવ્યો હતો.