ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું

ઈન્દોર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટી20આઈ સીરિઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ રોહિતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્મા 150 ટી20આઈ મેચ રમનાર પહેલો ક્રિકેટર બની ગયો છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જે ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2007 જીત્યો હતો, રોહિત શર્મા તે ભારતીય ટીમનો ભાગ હતો. રોહિત શર્માએ 149 ટી20આઈ મેચોમાં 139.15ના સ્ટ્રાઈક રેટ અને 30.58ની એવરેજથી 3853 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિત શર્માના નામે 4 સદી છે. આ સિવાય 29 ફિફ્ટી તેના નામે છે.
ગઈકાલે ઈન્દોરમાં અફઘાનિસ્તાન સામેની બીજી ટી20આઈ મેચમાં રોહિત શર્મા ફરી એકવાર શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. તે પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ફઝલહક ફારુકીએ તેને પેવેલિયન મોકલ્યો. આ સીરિઝની પ્રથમ મેચમાં પણ રોહિત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બેક ટુ બેક શૂન્ય પર આઉટ થવાને કારણે તે ટી20આઈ ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. આ સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.
રોહિત શર્મા અત્યાર સુધી ટી20આઈમાં 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. તે હવે ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ પ્રથમ સ્થાને છે. પોલ 13 વખત શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં રોહિત ટી20આઈ ક્રિકેટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાના અનિચ્છનીય રેકોર્ડની ખૂબ નજીક આવી ગયો છે.
