ત્રણેય યુવકો બાઈક પર પરેલ બ્રિજ પરથી દક્ષિણ મુંબઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાઈક કાબૂ બહાર થતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી

મુંબઈ
મુંબઈના પરેલ બ્રિજ પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક મોટરસાઈકલ અને ડમ્પર વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બાઇક પર સવાર હતા અને વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યા હતા.
સવારે 6:15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ત્રણેય યુવકો બાઈક પર પરેલ બ્રિજ પરથી દક્ષિણ મુંબઈ તરફ પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા, ત્યારે બાઈક કાબૂ બહાર જઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ દરમિયાન સામેથી આવતા ડમ્પર વાહન સાથે બાઈક અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેમને નજીકના હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ડમ્પર ચાલકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને અકસ્માત અંગે વિગતવાર જણાવ્યું હતું અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
