સુપ્રીમ કોર્ટની બેંચે કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાના સંજય સિંહની વિનંતી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો

નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવાયેલું સમન્સ 4 અઠવાડિયા સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત તેમની વિરુદ્ધ ટ્રાયલ પણ હાલ પુરતી સ્થગિત કરાઈ છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સંજય સિંહની વચગાળાની રાહત અપીલ પર 4 અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવે. જોકે ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની બેંચે કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાના સંજય સિંહની વિનંતી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ, વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તે પ્રકારના બદનક્ષીભર્યા નિવેદનો કરવાના પ્રકરણમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. આ નેતાઓ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.
સંજય સિંહના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીના જણાવ્યા મુજબ સંજય સિંહ વિરુદ્ધ સ્ટેની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેમ છતાં તેમને દોષિત ઠેરવવાનો અને તેમને રાજ્યસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સિંઘવીએ વધુમાં કહ્યું કે, યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પુરુ પડાય છે અને તે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં છે. સિંઘવીની દલીલ પર કોર્ટે કહ્યું કે, તમને ન્યાયાધીશ (ન્યાય) પર આશંકા ન હોવી જોઈએ, જેના પર સિંઘવીએ કહ્યું કે, આ આખા સિસ્ટમની વાત છે.