રોહિતે તેના દિલની વાત માની અને સુપર ઓવર રવિ બિશ્નોઈને સોંપીઃ રાહુલ દ્રવિડ
નવી દિલ્હી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ત્રણ મેચની ટી20આઈ સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે અફઘાનિસ્તાનનું સૂપડાં સાફ કરી દીધું હતું અને સીરિઝ 3-0થી જીતી હતી. પ્રથમ 2 મેચ ભારતીય ટીમે સરળતાથી જીતી લીધી હતી પરંતુ અંતિમ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ત્રીજી મેચ ટાઈ થઇ અને ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. પરંતુ બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતીય ટીમે બીજી સુપર ઓવરમાં માત્ર 10 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ બીજી સુપર ઓવરમાં બોલિંગ શરુ થવાની પહેલા પોતાનો એક નિર્ણય બદલ્યો હતો જેના કારણે અફઘાનિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે માત્ર 10 રન બનાવ્યા હતા અને ચિન્નાસ્વામીના મેદાન પર આ સ્કોર ડિફેન્ડ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માએ બોલિંગ માટે બે વિકલ્પો પસંદ કર્યા હતા. રોહિતનો પહેલો વિકલ્પ આવેશ ખાન હતો જયારે બીજા વિકલ્પના રૂપમાં રોહિતે રવિ બિશ્નોઈએ પસંદ કર્યો હતો. રોહિત પહેલા આવેશ ખાનને બોલિંગ આપવાનો હતો પરંતુ એકાએક રોહિત તેનો નિર્ણય બદલી દીધો અને રવિ બિશ્નોઈને બોલિંગ કરવા બોલાવ્યો હતો.
રવિ બિશ્નોઈ કેપ્ટન રોહિત શર્માના વિશ્વાસ પર ખરો ઊતર્યો હતો. તેની ટીમને મેચ જીતવા માટે માત્ર ત્રણ બોલ લાગ્યા હતા. તેણે પહેલા જ બોલ પર મોહમ્મદ નબીને આઉટ કર્યો અને ત્રીજા બોલ પર રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને મેચનો અંત લાવી દીધો હતો.
રોહિત શર્માએ અચાનક રવિ બિશ્નોઈને બોલિંગ કેમ સોંપી તેનું કારણ હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું. દ્રવિડે કહ્યું, “રોહિતે તેના દિલની વાત માની અને સુપર ઓવર રવિ બિશ્નોઈને સોંપી. રોહિતનું માનવું હતું કે નાના ટાર્ગેટને ડિફેન્ડ કરવા માટે સ્પિનર જ 2 વિકેટ લઇ શકે છે. રોહિતનો આ નિર્ણય સફળ સાબિત થયો હતો.”
ભારતને જીતાવ્યા બાદ રવિ બિશ્નોઈએ કહ્યું, “મારું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું પરંતુ હું મારી જવાબદારી નિભાવવા તૈયાર હતો. મેં કેપ્ટનને કહ્યું કે હા હું બોલિંગ કરીશ. હું જાણતો હતો કે બોલિંગ એટલી સરળ નથી તેથી મેં મારા બોલની લેંથ થોડી પાછી ખેંચી અને ગુરબાઝ અને નબી બંને મારી જાળમાં ફસાઈ ગયા. સુપર ઓવરમાં મેચ જીત્યા બાદ હું ખૂબ જ ખુશ છું.