વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે. 48 પાનાના પુસ્તકમાં અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20થી વધુ દેશો દ્વારા જાહેર કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરી દેવાયું છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે.
આ પહેલા રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક પ્રતિમાને ભ્રમણ કરાવાયું હતું. આ મૂર્તિને ફૂલોથી શણગારેલી પાલખીમાં અહીં લવાઈ હતી. અગાઉ મંગળવારે સવારે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામલલાના મંદિરમાં ગર્ભગૃહ હશે જ્યાં પાંચ મંડપ હશે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. જો કે મંદિરના પહેલા માળે હજુ પણ થોડું કામ બાકી છે. અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞો અને અનુષ્ઠાન થશે. તેમણે જણાવ્યું કે શુભ મુહૂર્ત 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે હશે. તેનાથી પહેલા પૂજા વિધિ શરૂ કરી દેવાઈ છે.