રાષ્ટ્રીય ગાન વંદે માતરમ્ ને દેશની એકતા અને સાર્વભૌમત્વનાં પ્રતીક રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત

એસવીએન,નવી દિલ્હી
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ને દેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત મંત્રીઓએ બંગાળમાં ભાજપની જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.
વંદે માતરમ્ને જન ગણ મન જેવો સમાન દરજ્જો
કેબિનેટની બેઠકમાં સરકારે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’માં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદે માતરમ્’ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય ગુનો માનવામાં આવશે. સંજ્ઞેય એટલે કે પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાનો અને કોર્ટની મંજૂરી વગર કેસની તપાસ શરૂ કરવાની સત્તા હોય છે.
વંદે માતરમ્ ના 150 વર્ષ
વર્તમાન કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. વર્તમાન ફેરફાર પછી ‘વંદે માતરમ્’ને પણ આ જ દાયરામાં સામેલ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, દેશ હાલમાં આ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે.
અપમાન બદલ જેલ
વર્તમાન કાયદા અનુસાર જે વ્યક્તિ રાષ્ટ્રગાનના ગાનમાં જાણીજોઈને અવરોધ ઊભો કરે છે, તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી વખત ગુનો કરવા બદલ ઓછામાં ઓછી એક વર્ષની જેલની જોગવાઈ છે. હવે રાષ્ટ્રીય ગીતને પણ આ જ કાયદાકીય દાયરામાં લાવવામાં આવી રહ્યું છે, જેથી તેની ગરિમા જળવાઈ રહે. અગાઉ 2005માં કાયદામાં સુધારો કરીને ત્રિરંગાના અપમાનજનક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાનની સમાન દરજ્જો આપવાની માંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ પર આયોજિત એક વિશેષ ચર્ચા દરમિયાન ઉઠી હતી.
