અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટની ભૂલ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર હોવાનો એફઆઈપીનો ખુલાસો

Spread the love

12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથેની કરૂણ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા

 

એસવીએન,અમદાવાદ

કોઈપણ વિમાન દુર્ઘટના થાય ત્યારે સૌથી પહેલી આંગળી પાઇલટ પર ચીંધવામાં આવતી હોય છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથે કરૂણ દુર્ઘટના ઘટી, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા, તેમાં પણ શરૂઆતમાં પાઇલટની કાર્યવાહી પર શંકા સેવાઈ રહી હતી. પરંતુ, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ગંભીર ટેકનિકલ ખામીઓના પુરાવા સામે આવી રહ્યા છે. ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ’ (એફઆઈપી) એ રજૂ કરેલા નવા તથ્યોએ તપાસની દિશા જ બદલી નાંખી છે.

ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાનો દાવો

5,000થી વધુ સભ્યો ધરાવતા ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (એફઆઈપી) એ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)ને એક વિગતવાર પત્ર લખીને જણાવ્યું છે કે આ અકસ્માત પાઇલટની કોઈ ભૂલને કારણે નહીં, પરંતુ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે થયો હતો. એપઆઈપીના મતે, વિમાનની બેટરીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે સિસ્ટમમાં ‘રિવર્સ વોલ્ટેજ’ પેદા થયો હતો, જેણે ઇંધણ નિયંત્રણ પ્રણાલી (ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ)ને ખોટા સિગ્નલ આપ્યા હતા.

સીસીટીવી – આરએટીના પુરાવા

અમદાવાદ એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું છે કે ટેકઓફ દરમિયાન જ વિમાનની ઇમરજન્સી પાવર સિસ્ટમ એટલે કે આરએટી (રેમ એર ટર્બાઈન) સક્રિય થઈ ગઈ હતી. સામાન્ય રીતે આરએટી ત્યારે જ સક્રિય થાય છે જ્યારે વિમાનમાં પાવરની મોટી કટોકટી સર્જાય. દુર્ઘટનાની સમયરેખા જોઈએ તો:

  • 08:08:43 – ઇંધણનો પુરવઠો આપમેળે કટ-ઓફ થયો.
  • 08:08:47 – આરએટીમાંથી પાવર મળવાનું શરૂ થયું.

આ આંકડા સ્પષ્ટ કરે છે કે પાઇલટ કંઈ સમજે તે પહેલાં જ ટેકનિકલ સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી.

એન્જિન કેવી રીતે બંધ થયા?

એફઆઈપીએ દલીલ કરી છે કે બોઇંગ 787 ના ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચરમાં એક દુર્લભ ખામી છે. જ્યારે બેટરીમાંથી હાઈ-વોલ્ટેજ સ્પાઇક આવે છે, ત્યારે તે ઇંધણના વાલ્વને નિયંત્રિત કરતા ‘ડ્યુઅલ-કોઇલ લેચિંગ રિલે’ ને ટ્રીપ કરી દે છે. આના કારણે પાઇલટના કોઈપણ હસ્તક્ષેપ વગર બંને એન્જિનમાં ઇંધણ જતું બંધ થઈ જાય છે, જે ફ્યુઅલ કટઓફ કહેવાય છે. બ્લેક બોક્સના પુનઃવિશ્લેષણમાં પણ એન્જિન બંધ થવાના માત્ર 1.2 સેકન્ડ પહેલા માઇક્રો-સેકન્ડ ‘વોલ્ટેજ સ્પાઇક્સ’ જોવા મળ્યા છે, જે આ થિયરીને મજબૂત બનાવે છે.

કોકપિટ વોઇસ રેકોર્ડરનું તથ્ય

તપાસમાં સામે આવેલા સીવીઆર ડેટા મુજબ, છેલ્લી ક્ષણોમાં સિનિયર કેપ્ટન બૂમ પાડતા સંભળાય છે, ‘માસ્ટર સાવધાન! લિવર કેમ ખસી રહ્યા છે?’ આ વાક્ય સાબિત કરે છે કે કોકપિટમાં ઇંધણના લિવર પાઇલટે મેન્યુઅલી ખેંચ્યા નહોતા, પરંતુ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે તે આપમેળે ‘કટ-ઓફ’ સ્થિતિમાં આવી ગયા હતા.

વૈજ્ઞાનિક તપાસની એફઆઈપીની માગ

એફઆઈપીએ માંગ કરી છે કે આ કેસની વૈજ્ઞાનિક તપાસ આઈઆઈટી બોમ્બે, એચએએલ અથવા એડીએ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે કરાવવી જોઈએ. વધુમાં, બોઇંગ 787 સિમ્યુલેટર પર આ પરિસ્થિતિનું પરીક્ષણ થવું જોઈએ. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ હવે સ્વીકાર્યું છે કે તપાસ માત્ર પાઇલટની કાર્યવાહી સુધી સીમિત નથી.

જો જૂન 2026 માં આવનારા અંતિમ અહેવાલમાં ટેકનિકલ ખામી સાબિત થશે, તો વિશ્વભરના તમામ બોઇંગ 787 વિમાનોનું ઇન્સ્પેક્શન કરવું પડશે. આ દુર્ઘટના આપણને શીખવે છે કે ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ્ડ હોય, પરંતુ સુરક્ષાના મામલે માનવીય પાસાઓની સાથે સાથે મશીનની જટિલતાઓને સમજવી પણ એટલી જ જરૂરી છે. પાઇલટ્સને દોષિત ઠેરવતા પહેલા સિસ્ટમની ખામીઓને પારખવી એ ન્યાયની પાયાની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *