પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ ગોવા જવાની હોવાની સીએમ કાર્યાલયના અધિકારીની સ્પષ્ટતા
નવી દિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલીસી કેસમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની અવગણના કરી શકે છે. ઈડીના ચોથા સમન્સને અવગણીને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ આજે ગોવા જવા રવાના થવાના છે.’ આ ઉપરાંત અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી હોવા ઉપરાંત, તેઓ આમ આદમી પાર્ટીના વડા પણ છે. તેઓ આગામી ત્રણ દિવસ સુધી ગોવામાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરશે. બુધવારે એક કાર્યક્રમ બાદ જ્યારે અરવિંદ કેજરીવાલને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, ‘અમે કાયદા પ્રમાણે કામ કરીશું.
અરવિંદ કેજરીવાલ 18, 19 અને 20 જાન્યુઆરીએ એટલે કે ત્રણ દિવસ ગોવામાં રોકાશે અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળશે. આ સાથે સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ તેઓ કોઈ જાહેર રેલીને પણ સંબોધિત કરી શકે છે. આ અગાઉ ઈડીએ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ત્રીજું સમન્સ મોકલ્યું હતું, પરંતુ તેમણે EDના સમન્સને ગેરકાયદેસર ગણાવીને હાજર થયા ન હતા. અને કેજરીવાલે ઈડીને એક પત્ર પણ મોકલ્યો હતો.